________________
આક્રોશનાં મૂળિયાં વિષમતાની જમીનમાં છે
- વરિષ્ઠ પત્રકાર કમલેન્દ્ર કુંવર દૈનિક ભાસ્કર : તા. ૮/૬/૦૭
રોટલી અને રોટલાની વિષમતા
ક્યારેય આક્રોશની જનની બનતી નથી પરંતુ એક બાજુ ગુલાબજાંબુની રેલમછેલ અને બીજી બાજુ રોટલા-રોટલીના પણ વાંધા, આ વિષમતા ઊભી થાય છે ત્યારે જ આક્રોશ ફાટી નીકળે છે. આજે આ જ વિષમતા તો સર્જાઈ રહી છે. અમીરોની અમીરી એ હદે ફાટ ફાટ થઈ રહી છે કે એમને પૈસા મૂકવા માટે હવે સ્વિસ બેંક પણ ટૂંકી પડી રહી છે. જ્યારે ગરીબોની ગરીબી એ હદે વકરી રહી છે કે એમને રોટલાના ટુકડાના, કપડાંના ચીંથરાના અને બે ગજ જમીનના પણ વાંધા પડી રહ્યા છે. એક નગ્ન વાસ્તવિકતા જણાવું? વિષમતા એમ તો પાંચે ય આંગળીઓમાં પણ છે પરંતુ એ તમામ આંગળીઓ એક-બીજાના સહકારમાં રહે છે એટલે એમના વચ્ચે હંમેશાં સંવાદિતા જ સર્જાયેલ રહે છે. ભલે રહી અમીરી-ગરીબો વચ્ચે વિષમતા. અમીરો જો ગરીબોને સાચવી લે, ગરીબો જો અમીરોની અમીરીને સ્વીકારી લે તો આક્રોશ પેદા થવાની સંભાવના પર કાયમનું પૂર્ણવિરામ જ મુકાઈ જાય !