________________
વિશ્વબેંકે પણ પાણીનો સ્વીકાર આર્થિક વસ્તુમાં કર્યો છે
દૈનિક ભાસ્કર: તા. ૩/૬૦૦
હા, વિજ્ઞાને જગતને આજે અહીં લાવીને મૂકી દીધું છે. પવન અને પાણી, આ બે ચીજ એવી હતી કે એની ગણના આજ સુધીમાં ક્યાંય, કોઈએ પણ ‘આર્થિક વસ્તુ'માં કરી નહોતી પરંતુ વિશ્વબેંક જેવી માતબર સંસ્થાએ પાણીનો સ્વીકાર “આર્થિક વસ્તુ” માં કરી દીધો છે. અને કોઈ પણ ચીજનો જ્યારે આર્થિક વસ્તુમાં સમાવેશ કરી દેવામાં આવે ત્યારે થાય શું? એક આખું બજાર ઊભું થઈ જાય. એની અછત ઊભી કરવામાં આવે. એની માંગ ઊભી કરવામાં આવે. એની પ્રતિસ્પર્ધા શરૂ થાય. એની જાહેરાતોમાં લાખો-કરોડોનું રોકાણ થાય. એના આકર્ષક પૅકિંગ તૈયાર થાય. એનો પહેલેથી સ્ટૉક કરી દેવામાં આવે. તમને ખ્યાલ છે? આજે પાણી પાછળ અબજો અબજો રૂપિયાનો વેપાર ચાલુ છે. આવનાર દિવસો જોતાં એમ લાગે છે કે પાણી પાછળ કદાચ વિશ્વયુદ્ધ ખેલાઈ જશે. ઔદ્યોગિક વિકાસ વૃક્ષોનું બલિદાન તો લઈ જ રહ્યો છે, પાણીની પણ જાલિમ તંગી એ સર્જી રહ્યો છે. પાણીની નવી આવક એક બાજુ બંધ થાય. બીજી બાજુ જમીનના તળમાં રહેલ પાણીને ખેંચી ખેંચીને સાફ કરી નાખવામાં આવે. પાણી વિના માછલી તરફડી તરફડીને મરી જાય” એ કહેવતની જગાએ ‘પાણી વિના માણસો તરફડી તરફડીને મરી જાય” એ કહેવત ગોઠવાઈ જાય તો ના નહીં!