________________
મોટા મોટા ડેમોએ પર્યાવરણને બેહદ
નુકસાન કર્યું છે
દૈનિક ભાસ્કર: તા. ૩૧/૫/૦૯
પર્યાવરણને જેઓ પણ નુકસાન કરી રહ્યા છે એ તમામના ચહેરાઓ તમે આંખ સામે લાવો. તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે એ ચહેરાઓમાં કાં તો ડૉક્ટર હશે, કાં તો એન્જિનિયર હશે, કાં તો વૈજ્ઞાનિક હશે, કાં તો ઑફિસર હશે, કાં તો રાજનેતા હશે અને કાં તો શ્રીમંત હશે. ટૂંકા ગાળાના લાભને આપી જતા પરંતુ લાંબા ગાળાના નુકસાનને નક્કી કરી જતા જાતજાતનાં આયોજનો ઊભા કરતા રહેવા એ જ એમનો ધંધો ! વર્તમાન પેઢી લાભને માણે અને નુકસાન ભવિષ્યની પેઢીને લમણે ઝીંકાય ! કોણ સમજાવે એ બુદ્ધિજીવીઓને કે ધરતીમાતાનું દૂધ પીઓ ત્યાં સુધી તો બધું બરાબર છે પરંતુ એનું લોહી પીવાના તમે પ્રયાસ કરો પછી એ માતા જે વીફરે છે એના નુકસાનમાંથી બહાર આવતા તો ક્યારેક દસકાઓના દસકાઓ યાવત્ સદીઓની સદીઓ વીતી જતી હોય છે.
ક્યારેક તો એમ થઈ જાય છે કે પાંજરાપોળને બરાબર ચલાવવા જો ખેડૂતને જ એનો ટ્રસ્ટી બનાવવો જોઈએ તો પર્યાવરણને સ્વચ્છ રાખવા નિરક્ષર પણ પ્રૌઢ એવા માણસોની સલાહને જ અંતિમ મનાવી જોઈએ.