________________
૯૧ ટકા માર્ક્સ આવ્યા પછીય વિધાર્થીએ કરેલ આત્મહત્યા
દૈનિક ભાસ્કર : તા. ૩૧/૫/૦૭
સ્કૂલ-કૉલેજની પરીક્ષામાં અપેક્ષા જેટલા માર્ક્સ ન આવતાં વિદ્યાર્થીઓ જો આપઘાતના માર્ગે જીવન ટૂંકાવી દેવા તૈયાર થઈ જતા હોય તો આ જ વિદ્યાર્થીઓ મોટા થઈને જવાબદારીભર્યા જીવનમાં જ્યારે દાખલ થાય અને જીવનની પરીક્ષામાં અપેક્ષા મુજબના પ્રસંગો ન બને ત્યારે સૌપ્રથમ આપઘાતનો જ વિચાર કરી દેતા હોય તો એમાં નવાઈ પામવા જેવું કશું જ રહ્યું નથી. કેવા નબળાં મગજ થઈ ગયા છે આજના યુવાનોના ‘કાં તો ઘરેથી ભાગી જઈશ અને કાં તો જીવન ટૂંકાવી બેસીશ” બસ, હાલતા ને ચાલતા આવા વિચારોના શિકાર તેઓ બની જ રહ્યા છે. ગળાકાપ પ્રતિસ્પર્ધા, જાલિમ મહત્ત્વાકાંક્ષા અને વૈભવી જીવનશૈલી, આ ત્રણ પરિબળોએ આજે અચ્છા અચ્છા યુવાનોના મગજને તનાવથી જાણે કે ફાટ ફાટ બનાવી દીધા છે. કીડીની બાજુમાં લાડવો હોય એ તો સમજાય છે પણ આખો લાડવો જ જ્યારે કીડી પર જ ગોઠવાઈ જાય છે ત્યારે તો કીડીના રામ જ રમી જાય છે ને ? રે યુવાન ! તું તારા પર લાડવાને ગોઠવાઈ જવાની ના પાડી દેજે.