________________
એવો સાચો કે જ્યાં બોલે ત્યાં ખાય તમાચો
‘મરીઝ'ની આ પંક્તિઓ. જેનો પતિ મરી જાય એને વિધવા કહેવાય, જેની પત્ની મરી જાય એને વિધુર કહેવાય, જેનાં મા-બાપ મરી જાય એને અનાથ કહેવાય પરંતુ જેનો મિત્ર મરી જાય એને શું કહેવાય? આ પ્રશ્નનો જવાબ આપવામાં વિશ્વની તમામ ભાષાઓ
એક સરખી રીતે નિષ્ફળ નીવડી છે.
દુશ્મન પોતાના દુશ્મનોને જ મારતો હોય છે, મિત્રોને નહીં, પરંતુ જેઓ વિવેક વિનાના સ્પષ્ટવક્તાઓ હોય છે, વિવેકહીન સત્યવકતાઓ હોય છે તેઓ એક જ કામ કરતા રહેતા હોય છે, મિત્રોને મારવાનું. એટલે ? આ જ કે તેઓ એ હદે અપ્રિય બની જતા હોય છે કે નથી એમના મિત્ર બનવા કોઈ તૈયાર થતું કે નથી એમને કોઈ મિત્ર બનાવવા તૈયાર થતું. એમના મિત્રો કોઈ બની ગયા હોય છે તો ય એમનાથી તેઓ દૂર થતા જાય છે અને એમની મૈત્રી કોકે કરી લીધી હોય છે તો ય એના પર વહેલામાં વહેલી તકે પૂર્ણવિરામ મુકાઈ જાય એની તેઓ રાહ જોતા હોય છે.
પુલ બની શકતા પથ્થરનો ઉપયોગ દીવાલ બનાવી દેવામાં કરી દેવો એ જો બેવકૂફી છે, પ્રતિમા બની શકતા પથ્થરનો ઉપયોગ કોકનું માથું ફોડી નાખવામાં કરી દેવો એ જો ક્રૂરતા છે તો સંખ્યાબંધ મિત્રો બનાવી શકતા શબ્દોનો ઉપયોગ મિત્રોની સંખ્યામાં કડાકો બોલાવી દેવા અને દુશ્મનોની સંખ્યામાં તેજી લાવવા કરતા રહેવું એ
તો નરી અક્કલહીનતા જ છે.
કેટલાક માણસો એમ કહેતા ફરતા હોય છે કે “આપણે તો કોઈના બાપની ય સાડી-બાર રાખતા નથી. જેવું હોય તેવું સામાને મોઢે મોઢ જ કહી દેવું. પછી પરિણામ ભલે ને ગમે તે આવે ?
આવા માણસો પોતાના આવા વિકૃત અભિગમ બદલના અભિપ્રાયો બીજાઓ પાસેથી મંગાવતા રહે તો એમને ખ્યાલ આવે કે એમણે જીવનમાં એક જ કામ કર્યું છે, સંબંધોમાં આગ લગાડતા રહેવાનું.
તેઓ માત્ર મિત્રો ગુમાવતા જ હોય છે એવું નથી. મિત્રોને તેઓ દુશ્મન પણ બનાવતા હોય છે. તેઓ સંબંધો તોડતા જ હોય છે એવું નથી, કડવા સંબંધોનું તેઓ નિર્માણ પણ કરતા રહે છે. સ્વજનો એમનાથી દૂર થતાં જાય છે એટલું જ નહીં, તેઓ ખુદ પણ સ્વજનોથી દૂર થતા જતા હોય છે.
શું કહું ?
બંદૂકમાંથી છૂટતી ગોળી કોકને વાગી જતી હોય અને એનાથી એનું મરણ થઈ જતું હોય એ તો આપણને સમજાય છે પરંતુ આવા વિવેકહીન સ્પષ્ટવક્તાઓના મુખમાંથી જે પણ શબ્દો નીકળતા હોય છે એ શબ્દો સામાને એવા તો વાગતા હોય છે કે તેઓ મરતા ભલે નથી હોતા પણ એમના અંતરમાં એ વક્તાઓ પ્રત્યે રહેલા સ્નેહનું અને પ્રેમનું તો મોત થઈને જ રહે છે.
બચવું છે આ અપાયથી ? તો બે કામ ખાસ કરો. વાંસળી જેવા બની જાઓ. વાંસળી વાચાળ નથી હોતી, કોક બોલાવે છે તો જ બોલે છે. વાંસળી કડવું નથી બોલતી, મધુર જ બોલે છે. અપનાવી લેશું આપણે વાંસળીના આ બંને ગુણો?