________________
આંધળા સસરાની લાજ કઈ વહુ કાઢવાની છે?
માણસ માણસના સંબંધ વચ્ચેથી લાગણી શબ્દ છેકી કાઢ, પછી પાનાં ભરી ભરીને લખવું હોય તે લખી કાઢ ! ખૂબ લપસ્યાં છે આ ઢાળમાં, ઉપર ચડ્યું કો’ જાણ્યું છે? સાચો આંકડો જાણવો હોય તો ગામની વસ્તી ગણી કાઢે ! મતલબની આ દુનિયા છે ભાઈ ! તારો મતલબ શોધી કાઢે, ફાવતું હોય તો ઠીક છે નકર, મારું ઘર તું ગોતી કાઢ ! લાગણીશીલોના થપ્પથપ્પાં ભરી ગોદામો આ પડ્યાં થા બુટ્ટો ! કાં થોડી સગવડ થપ્પા ઉપર કરી કાઢે ! કો’કની પાછળ કો’ક ઝૂરે છે, વાર્તાઓ બઘી રહેવા દો જીવવું હોય તો જીવ સુખેથી કાં વાર્તા મુજબ જીવી કાઢ. કોક અજ્ઞાત કવિની આ પંક્તિઓનો તાત્પર્યાર્થ સ્પષ્ટ છે. શેરડીમાં માણસને ત્યાં સુધી જ રસ હોય છે જ્યાં સુધી શેરડીમાં કસ હોય છે. પુષ્પ પાછળ માણસ ત્યાં સુધી જ પાગલ રહે છે જ્યાં સુધી પુષ્પમાં સુવાસ અને સૌંદર્ય હાજર હોવાનું એને દેખાય છે. પત્નીમાં પુરુષ ‘રાણી’નાં દર્શન ત્યાં સુધી જ કરતો રહે છે જ્યાં સુધી પત્ની યુવાનીને, રૂપને અથવા તો આકર્ષકતાને ટકાવીને બેઠી હોય છે. માણસ ભલે ને જીવતો છે, મરી ગયો નથી પરંતુ જો હવે એ કામનો નથી રહ્યો, મારા સ્વાર્થમાં સહાયક નથી બની શકતો, મારા ગલત વર્તાવમાં એ ભયપ્રદ નથી બની શકતો તો મારે એની કોઈ જ પરવા નથી.
ટૂંકમાં ગણિત સ્પષ્ટ છે. સામી વ્યક્તિના અસ્તિત્વની નોંધ ત્યાં સુધી જ તમે લો જ્યાં સુધી એ તમને ઉપયોગી છે. જેવી એની ઉપયોગિતા ખતમ થઈ જાય, એના અસ્તિત્વની નોંધ લેવાની પણ તમે ના પાડી દો. એની જીવંતતા પ્રત્યે પણ તમે આંખર્મીચામણાં કરી દો.
આ હલટક કોટિના ગણિતે જ સ્ત્રીઓ ગર્ભપાત સેન્ટરની મુલાકાત લઈ રહી છે ને? ‘પેટમાં રહેલ બાળક માટે હમણાં નથી જોઈતું કારણ કે લગન કર્યાને હજી તો
બે વરસ પણ નથી થયા. આટલા ટૂંકા ગાળામાં બાળક આવી જાય તો મનગમતી. મોજ ન કરી શકાય. બહાર હરવા-ફરવા ન જઈ શકાય. યથેચ્છ વિલાસ ન માણી શકાય. એક કામ કરો. બાળકને પેટમાંથી જ પરલોકમાં રવાના કરી દો !'
પત્ની નથી ગમતી ને? એનું રૂપ હવે આકર્ષક નથી રહ્યું ને? એનો સ્વભાવ બરછટ લાગે છે ને? ચિંતા ન કરો. કોર્ટ તૈયાર છે. પહોંચી જાઓ તમે ત્યાં આપી દો એને છૂટાછેડા. કોર્ટ કદાચ આગ્રહ કરે તો દર મહિને તમે બે-ચાર હજાર રૂપિયા આપી દેજો એને. પણ એ લપમાંથી તમે કાયમનો છુટકારો મેળવી જ લો !!
વૃદ્ધ માતા-પિતા ઘરમાં ‘વધારા’ના લાગે છે ને ? ‘નકામાં’ અને ‘બોજરૂપ’ લાગે છે ને ? ચિંતા ન કરો. તમને એ ચિંતાથી મુક્ત કરવા તો વૃદ્ધાશ્રમો ખુલ્યા છે. આંખમાં આંસુ લાવીને માતા-પિતાને મૂકી દો વૃદ્ધાશ્રમોમાં અને એ ય તમે બે અને તમારા બે કરતા રહો ઘરમાં જલસા !
આંધળા સસરાની લાજ કોઈ વહુ કાઢતી નથી એ તો સમજાય છે પરંતુ અહીં તો દેખતાં મા-બાપની સારસંભાળ થતી નથી. દેખતી પત્નીની નોંધ લેવાતી નથી અને ગર્ભમાં રહેલ દેખતા દીકરાને જગતનાં દર્શન કરવા દેવામાં આવતા નથી !
‘સગું તારું કોણ સાચું રે સંસારિયામાં” આ પંક્તિ એટલું જ કહે છે કે જગતના જીવો તરફથી પ્રેમની અપેક્ષા રાખશો નહીં અને એ સહુને પ્રેમ આપવાની બાબતમાં ઉપેક્ષા સેવશો નહીં.