________________
જરૂર વગરની વસ્તુ ખરીદે તેને જરૂરી વસ્તુ વેચવી પડે
વિપિન પરીખની આ પંક્તિઓઃ વળી પાછા યુધિષ્ઠિરને રોકી યક્ષે પૂછ્યું, ‘હવે મારા છેવટના પ્રશ્નનો ઉત્તર આપજો, યુધિષ્ઠિર !' કળિયુગમાં આ બેમાંથી સુખી કોણ? ગરીબ કે મધ્યમ વર્ગનો માણસ ? તરત જ અચકાયા વિના યુધિષ્ઠિર બોલી ઊઠ્યા. ‘સાવ સીધો-સાદો આનો ઉત્તર છે હે યક્ષ ! ગરીબ માણસ જ સુખી છે, કારણ એ ગમે ત્યારે પોતાના બંને હાથ ખુલ્લા કરી મારી પાસે કશું નથી’ કહી શકે. ત્યારે મધ્યમ વર્ગનો માણસ આખી જિંદગી પોતાના હાથ, ગજવા ને મોં છુપાવતો પત્ની અને સંતાનોને ખબર ન પડે એમ હીબકાં ભરીભરીને રાત વિતાવી જેમ તેમ આયુષ્ય પૂરું કરે છે” યક્ષ ખસી ગયો. યુધિષ્ઠિર પાણી લઈ ચાલતા થયા પણ, જતાં જતાં યક્ષની આંખો સજળ થઈ તે કોઈએ જોયું નહીં.
મારે સુખી થવું હોય તો હું આજે જ સુખી થઈ શકું તેમ છું કારણ કે સુખી થવા માટે જરૂરી તમામ સામગ્રીઓ આજે મારી પાસે ઉપલબ્ધ છે. પણ ના, મારે તો મારી આજુબાજુમાં જેઓ પણ છે એ બધા કરતાં વધુ સુખી થવું છે અને એટલે જ હું આજે દુઃખી છું કારણ કે બાજુવાળા પાસે જે ગાડી છે એ અત્યારે મારી પાસે નથી. બાજુના ઘરમાં જે ટી.વી. છે એવું ટી.વી. હું વસાવી શકું એવી મારી સ્થિતિ જ નથી. બાજુના ઘરમાં જે આકર્ષક ફર્નિચર છે એની સામે મારા ઘરનું ફર્નિચર તો સાવ કચરા જેવું લાગે છે. બાજુવાળાની પાસે જે વિપુલ સંપત્તિ છે અને બહોળો ધંધો છે,
મારી પાસે એની સામે કાંઈ જ નથી.”
હા. જરૂરિયાતોને જ પૂરી કરવી હોય તો માણસને આજે બધી જ અનુકૂળતાઓ છે કારણ કે જરૂરિયાતો મર્યાદિત છે અને સહેલાઈથી એ ઉપલબ્ધ થઈ શકે તેમ છે પણ માણસ તો અત્યારે દોડી રહ્યો છે પોતાના મનની ઇચ્છાઓને પૂરી કરવા અને એમાં એ ક્યારેય સફળ બનવાનો નથી. એનું પુણ્ય પ્રચંડ હોય તો પણ અને એનું આયુષ્ય હજારો વરસનું હોય તો પણ !
કારણ ?
ઇચ્છાઓ અનંત છે. ઇચ્છોઓનું પોત સાગરનું હોત તો તો એને પહોંચી વળાત કારણ કે સાગર ગમે તેવો વિરાટ હોય તો ય સીમિત છે. ઇચ્છાઓનું સ્વરૂપ મેરુ પર્વતનું હોત ને તો એને ય પહોંચી વળાત કારણ કે મેરુ પર્વત ગમે તેટલો ઊંચો છે તો ય એની ઊંચાઈ એક લાખ યોજનથી વધુ તો નથી જ પરંતુ ઇચ્છાઓનું પોત તો આકાશનું છે. આકાશ અનંત છે, બસ એ જ રીતે ઇચ્છાઓ અનંત છે. વિરામ પામવો એ એનો સ્વભાવ જ નથી. શાંત થઈ જવું એ એના સ્વભાવમાં જ નથી. તૃપ્ત થઈ જવું એ એની નિયતિ જ નથી.
‘જરૂર વગરની વસ્તુ ખરીદે તેને જરૂરી વસ્તુ વેચવી પડે' તાત્પર્યાર્થ સ્પષ્ટ છે. ઇચ્છાપૂર્તિ માટે જ જે દોડ્યા કરે એ જરૂરિયાતપૂર્તિથી ય વંચિત રહી જાય એવું બને. દૂધપાક મેળવા જતાં રોટલોય ખોઈ નાખવો પડે. ગાડી લેવા જતાં સાઇકલ પણ ગુમાવી દેવી પડે, સોફાસેટ વસાવવા જતાં ખુરસી ય જતી કરવી પડે. બંગલો બનાવવા જતાં ઝૂંપડામાંથી ય બહાર નીકળી જવું પડે. રૂપિયો મેળવવા જતાં પૈસો ય ગુમાવી દેવો પડે. જીવનને માણવા જતાં મોતને ય આવકારવું પડે અને મોતને દૂર હડસેલવા જતાં દુર્ગતિમાં ય રવાના થઈ જવું પડે. સાવધાન !
ge