________________
પડતીના દિવસોમાં તમારી લાકડી પણ સાપરૂપ બને છે
સુરેશ દલાલની આ પંક્તિઓ : જીવનનું રહસ્ય પ્રાપ્ત થયું નથી અને મરણનું રહસ્ય ઉકેલાયું નથી. વિસ્મય વહી ગયો છે અને શાણપણું પ્રગટ્યું નથી. આયુષ્ય ઊચકી ઊચકીને બેવડ વળી ગયેલો માણસ ધીમી ગતિએ સ્મશાન તરફ જઈ રહ્યો છે. પગલે પગલે પૂછી રહ્યો છે કે રસ્તો હજી કેટલો લાંબો છે? એ ઝંખે છે માત્ર એક જ અવસ્થા. ગતિશૂન્ય ગતિની.
ફૂટબૉલની રમત તમે જોઈ તો હશે જ ! એ રમતમાં તમને એક જ ચીજ જોવા મળે. બૉલ જેની પણ પાસે જાય, એ લાત ખાતો જ રહે. પછી એ બૉલ સગા ભાઈ પાસેથી બાપ પાસે જાય કે દીકરા પાસેથી કાકા પાસે જાય. મિત્ર પાસેથી મિત્ર પાસે જાય કે છોકરા પાસેથી યુવાન પાસે જાય. બાળક પાસેથી પ્રૌઢ પાસે જાય કે એક ટીમના ખેલાડી પાસેથી બીજી ટીમના ખેલાડી પાસે જાય. બૉલની એક જ નિયતિ. માર ખાતા રહેવાની !
જીવનમાં જ્યારે પડતી આવે છે, પાપકર્મોનો ઉદય જાગે છે ત્યારે આત્માની એ જ હાલત થાય છે જે હાલત ફૂટબૉલની રમતમાં બૉલની થાય છે. આત્મા જ્યાં પણ જાય છે, બધાય એને ત્રાસ જ આપતા રહે છે, મારતા જ રહે છે, ઉપેક્ષા અને અવગણના જ કરતા રહે છે. સગો દીકરો પણ એ સમયમાં દુશ્મન કાર્ય કરવા લાગે છે. જિગરજાન મિત્ર પણ વિશ્વાસઘાત કરતો રહે છે. નિકટના સ્વજનો પણ હડધૂત
કરતા રહે છે. અરે, ભોજનનાં દ્રવ્યો પણ વિપરીત પડવા લાગે છે. રોજની વપરાશની પોતાની ચીજો પણ પ્રતિકૂળ પડવા લાગે છે.
જો ન હોય આત્મા પાસે આ સમજ કે “અત્યારે મારા જીવનમાં ફૂટબૉલની રમત ચાલુ જ્યારે થઈ જ ગઈ છે ત્યારે માર ખાઈ લેવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી' તૌ આત્મા દુર્ગાનનો અને દુર્ભાવનો શિકાર બનતો રહીને નવાં નવાં અશુભકર્મો બાંધતો જ રહે, પરિણામ ? આગામી સમય પણ એના માટે ફૂટબૉલની રમતનો જ બની રહે.
એક જ કામ કરવા જેવું છે. દુ:ખની તાકાત દુ:ખમાં એટલી નથી જેટલી એના અસ્વીકારમાં છે. જો દુઃખ તમને અસ્વીકાર્ય જ રહે છે તો નિરો એ તમારા માટે ત્રાસરૂપ પુરવાર થાય છે પરંતુ દુ:ખને જો તમે સ્વીકારી લો છો તો એ નિશ્ચિત તમારા માટે નપુંસક જ પુરવાર થાય છે.
આ વાસ્તવિકતાને આંખ સામે રાખીને દુ:ખના સ્વીકારભાવમાં આવી જાઓ. મર્દાનગીથી દુ:ખને Welcome કહેવાની હિંમત કરી લો. જો તમે Don't come જ કર્યા કરશો તો એ તમને સતત હેરાન કર્યા જ કરશે અને જો તમે Welcome કહીને એનું સ્વાગત કરવા તૈયાર રહેશો તો એ તમને I will not come એવો જવાબ જરૂર આપશે અને તમારાથી એ કાયમ દૂર જ રહેશે.
અને છેલ્લી વાત.
દુઃખને હસીએ છીએ ત્યારે એની તાકાત અડધી થઈ જાય છે અને દુઃખમાં રડીએ છીએ ત્યારે એની તાકાત બમણી થઈ જાય છે. નક્કી આપણે કરવાનું છે. દુઃખને હસી લેવું છે કે દુઃખમાં રડતા રહેવું છે ?