________________
ડૉક્ટર કોઈનાં બારણાં ઠોકતા નથી,
આમંત્રણથી જ આવે છે
.
સુરેશ દલાલની આ પંક્તિઓ : ૬૮ વરસનું એક બગાસું, ૬૦ વરસની ખાંસી ૫૬ વરસની છીંક તો મારી રોજ ઉડાવે હાંસી. શરદીએ તો લીવ-લાયસન્સ પર ફલૅટ લીધો છે મારો તાવ આવે તો એવો આવે હોય જાણે અંગારો મુંબઈ, પરિસ, લંડન છોડીને છેલ્લે આવે કાશી. ૧૩ વરસનો હતો ત્યારથી શરીર સાથે વૈર ઇમારત બંધાય એ પહેલાં થઈ ગઈ ખંડેર, ભોંયતળિયું તો ભાંગેલું ને ગળતી રહે અગાસી. ઘૂંટણ દુ:ખે છે, પગ તૂટે છે, કમ્મરમાં તો સણકા જૂનો ધાગો તૂટવા લાગ્યો ને, વેરવિખેર થાય મણકા આવું તો મૈં થાય એમાં નહીં જાવાનું ત્રાસી.
મડદાને ગંધાતું અટકાવવામાં તમને હજી કદાચ સફળતા મળી જાય, દૂધને ફાટી જતું અટકાવવાના તમારા પ્રયાસો હજી કદાચ સફળ બની જાય, કપડાંને ચીંથરું બનતું અટકાવવામાં તમે હજી કદાચ ફાવી જાઓ પરંતુ શરીરને રોગોનું શિકાર બનતું અટકાવવામાં તો ચક્રવર્તીને ય સફળતા મળી શકે તેમ નથી, મળતી નથી અને મળવાની પણ નથી.
પ્રશ્ન એટલો જ છે કે રોગ શરીરમાં ઉંમરના હિસાબે આવવાનો છે કે અનિયંત્રિત જીવનપદ્ધતિના કારણે કે મર્યાદાહીન આહારપદ્ધતિના કારણે આવવાનો છે ? ઉંમર વધતા રોગ આવે એ તો સમજી શકાય છે પરંતુ કુપથ્ય સેવનના કારણે કે અનિયંત્રિત જીવનપદ્ધતિના કારણે રોગ આવે અને જીવન અકાળે કરમાતું જાય છે તો શું ચાલે ?
એક બાબતનો ખ્યાલ છે?
આપણાં શરીર પર માત્ર આપણો જ અધિકાર નથી. પરિવારનો પણ અધિકાર છે, સમાજનો પણ અધિકાર છે, રાષ્ટ્રનો પણ અધિકાર છે તો અનેક નાગરિકોનો
તથા ધર્માત્માઓનો પણ અધિકાર છે.
મારા શરીર પર મારો અધિકાર છે. હું એને ઠીક લાગે તો સાચવું અને ન પણ સાચવું. મારે પથ્ય ખાવું કે અપથ્ય ખાવું એનો નિર્ણય મારે કરવાનો છે. મારું જીવન લાંબુ રાખવું કે ટૂંકું રાખવું એનો નિર્ણય બીજાએ નથી કરવાનો, મારે જ કરવાનો છે.” આવું બોલવાનો આપણને કોઈ જ અધિકાર નથી.
કારણ ?
બાપ જો પોતાની તબિયત બગાડે છે તો એની અસર કુટુંબના તમામ સભ્યો પર પડે છે. પતિ જો શરીર બગાડે છે તો પત્નીના લમણે વૈધવ્ય ઝીંકાવાનો ભય ઊભો રહે છે. માતા જો તબિયત બગાડે છે તો પુત્રોને ‘નમાયાથઈ જવાની સંભાવના ઊભી થઈ જાય છે. પુણ્યવાન જો તબિયત પ્રત્યે બેપરવા બને છે તો એને આશ્રીને જીવન વિતાવતા અનેક નબળા પુણ્યવાળા નિરાધાર બની જવાનો ભય ઊભો થઈ જાય છે અને ગુણવાન જો શરીર પ્રત્યે ઉપેક્ષિત બને છે તો એના આલંબને અનેક જીવોની ગુણવાન બનવાની સંભાવના પર પૂર્ણવિરામ મુકાઈ જવાની શક્યતા ઊભી થઈ જાય છે.
ટૂંકમાં, “શરીર ભલે મારું છે પરંતુ એના પર અધિકાર તો અનેકનો છે આ હકીકતને સતત આંખ સામે રાખીને આપણે આપણાં શરીરનાં સ્વાથ્યને સાચવી રાખવા સતત જાગ્રત રહેવાનું જ છે. પથ્થસેવન, મર્યાદિત આહાર, સંયમિત જીવન, સ્વસ્થ વ્યવહાર, તનાવમુક્ત વિચારધારા, સંવેદનશીલ હૃદય, આટલું આપણે હાથવગું રાખી શક્યા તો ભયો ભયો !