________________
કૂતરાનાં મોઢામાંથી કાંઈ હાથીદાંત નીકળતા નથી
વિપિન પરીખની આ પંક્તિઓઃ આપણે થોડીક સમજૂતી કરી લેવી જોઈએ. તમે ડ્રૉઇંગરૂમને રોજ ફૂલોથી હસતો રાખશો. બહારથી કોઈ આવે એને વાતાવરણ પ્રસન્ન અને હળવું લાગશે. તમારે મારી ‘બિઝનેસ પાર્ટી’માં હાજરી આપવી પડશે. હું જાણું છું. તમને એ ભયંકર ‘બોર’ લાગે છે પણ અનેક Executive આંખોના સવાલો પાર્ટીને ક્યારેક નીરસ બનાવી મૂકે છે. હા, હું વચન આપું છું : તમારી ક્લબ પાર્ટીમાં સમય કાઢી હું પણ તમને Company આપીશ. મને એ પાઉડર ભરેલાં અને હીરાથી ઝગમગતાં સ્મિત સાથે કરાતી Social Service ન ગમતી હોય તો પણ ! બને ત્યાં સુધી મુન્નાની હાજરીમાં આપણે નાજુક પ્રશ્નોની ચર્ચા નહીં કરીએ અને એની નિશાળમાં વાલીઓની મિટિંગ હોય ત્યારે પપ્પા-મમ્મી તરીકે થોડાક કલાક હાજરી આપી આવશું. તમે જાણો છો. બાળકો ખૂબ ચતુર હોય છે, જલદી બધું સમજી જાય છે. અને આમેય બધાંની વચ્ચે આપણું બાળક ઓશિયાળું લાગે એ તો તમે પણ પસંદ નહીં કરો. આમ જુઓ તો આ કાંઈ બહુ મોટી વાત નથી. થોડીક મારા પક્ષે ઉદારતા. થોડીક તમારી પાસે સ્મિતની અપેક્ષા. બાકી
બહારથી જોનારા એમ ન કહે : અગ્નિની સાખે જે વચન આપ્યાં હતા તે હવે ધુમાડો થઈને ઘરમાં હરે ફરે છે.
હાડકાંને સતત બટકા ભરી રહેલા કૂતરાને ક્યારેક તો જોયો હશે ને? સૂકું હાડકું, એના પર કૂતરાનું દાંતનું આક્રમણ. મોઢામાંથી નીકળતું લોહી, એ લોહીના રેલા હાડકાં પરથી પોતાના જ મોઢામાં અને કૂતરો ભ્રમમાં. ‘લોહી હાડકામાંથી આવે છે” પરિણામ? વધુ જોરથી બટકાં. વધુ લોહી અને આખરે કૂતરો મોતના શરણે !
સંદેશ સ્પષ્ટ છે. સુખ તમારામાં છે, પદાર્થમાં નથી જ. દર્પણમાં પડતું પ્રતિબિંબ તમારું છે, દર્પણનું નથી. કૅમેરાની પ્રિન્ટ પર ઊઠતો ફોટો તમને આભારી છે, કૅમેરાને નહીં, ગુલાબજાંબુ ખાવામાં આવતી મજા તમારા કારણે છે, ગુલાબજાંબુના કારણે નહીં.
આટલી સીધી-સાદી વાત અનંત અનંતકાળના સંસાર પરિભ્રમણ પછીય આપણને સમજાઈ નથી અને એના જ કારણે આપણે સુખ માટે ‘પર’ તરફ મીટ માંડીને બેઠા છીએ અને પાગલ થઈને દોડ્યા છીએ.
સુખ સ્ત્રીથી મળશે એવું લાગ્યું અને લગ્ન કરી બેઠા ! સુખ પૈસાથી મળશે એવું લાગ્યું અને શ્રીમંત બની જવા જિંદગીના કીમતી શ્વાસોશ્વાસ હોડમાં મૂકી બેઠા ! સુખ મીઠાઈથી મળશે એવું લાગ્યું અને અકરાંતિયા થઈને મીઠાઈ પર તૂટી પડ્યા ! સુખ બાળકોથી મળશે એવું લાગ્યું અને બાળકોના બાપ બની બેઠા !
પરિણામ?
હાથ ખાલી છે. મન ઉદાસ છે. હૈયું રિક્ત છે. આંખો કોરી છે. પગ ઢીલા છે. ‘છેતરાઈ ગયા” ના અનુભવે જીવન વિષાદથી ગ્રસ્ત છે.
કૂતરો કૂતરો” જ છે, એના મુખમાંથી કાંઈ હાથીદાંત નથી જ મળવાના. પર પર’ જ છે, એમાંથી ‘સ્વ જન્ય સુખ’ નથી જ મળવાનું. જ્ઞાનીઓનો એક જ સંદેશો છે. સ્વમાં વસ, પરથી ખસ. એટલું બસ.