________________
લપસી પડ્યો તો કહે દેવને નમસ્કાર કર્યા
કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ: આપણે જીવનમાં એવી પસંદગીઓ પણ કરી લઈએ છીએ જેની પ્રતિઘટનાઓ જોયા-જાણ્યા-અનુભવ્યા પછી જો આપણને ફરી એ જ તક મળે તો તે પસંદગી વિનાની જિંદગી આપણે પસંદ કરી હોત. આવી આપણી પસંદગીઓને આપણે ‘ભૂલો” તરીકે ઓળખીએ છીએ. ભૂલોને આપી શકાય તેવો પ્રતિભાવ એક જ છે. - તત્પણ આ ભૂલોનો સ્વીકાર કરવો. તેમને સુધારવી અને તેમાંથી શીખવું.
ભૂલ ન જ થવી એ સંભાવના છદ્મસ્થ વ્યક્તિના જીવનમાં હોઈ શકે જ નહીં. ગમે તેટલી જાગૃતિ છતાં ય છદ્મસ્થ વ્યક્તિથી કાં તો ભૂલ થઈ જ જાય છે અને કાં તો એ ભૂલ કરી જ બેસે છે. પ્રશ્ન એ છે કે થઈ ગયેલ ભૂલને સ્વીકારી લઈને એને સુધારી લેવાનું મન થાય છે કે પછી ય ભૂલને કોક ને કોક બહાનાને આગળ ધરતા રહીને બચાવી લેવાનું મન થાય છે?
યાદ રાખજો,
અધ્યાત્મ જગતનું ગણિત કંઈક અંશે બેંકના ગણિત જેવું છે. બેંકમાં જમા કરાવેલા પૈસા જેમ સમય જતા વધતા જ જાય છે તેમ મનમાં છુપાવી રાખેલ દોષોમાં સમય જતા વૃદ્ધિ થતી જ જાય છે.
કહેવું હોય તો એમ પણ કહી શકાય કે ખૂલી જતું બીજ જેમ ઊગવાની ક્ષમતા ગુમાવી બેસતું હોય છે તેમ સ્વીકારી લીધેલ પાપ, દોષ કે ભૂલ આગળ વધવાની સંભાવના ગુમાવી બેસતા હોય છે.
કેવું વિચિત્ર છે મન?
દુ:ખને પ્રગટ કરી દેવા એ તૈયાર છે પણ દોષને કબૂલ કરી લેવાની વાત આવે છે ત્યારે એ એના બચાવમાં ઊભું રહી જાય છે ! શરીરના રોગને કબૂલ કરી લેવાની વાતમાં એને અહંકાર પ્રતિબંધક બનતો નથી પણ ભૂલને કબૂલ કરી લેતા એને અહંકાર સતત રોકતો જ રહે છે ! ધર્મનું થતું સેવન જો જાહેર થતું નથી તો એ એકળાતું રહે છે પરંતુ કરેલ પાપનું સેવન ભૂલેચૂકે જાહેર ન થઈ જાય એ બાબતમાં એ ચોવીસે ય કલાક સજાગ જ રહે છે !
પણ,
મનની આ વૃત્તિએ લમણે નુકસાની ઝીંકવા સિવાય બીજું કશું જ કર્યું નથી. કારણ કે ભૂલના અસ્વીકારે કે ભૂલના બચાવે એક જ કામ કર્યું છે, ભૂલને અભયદાન દઈ દેવાનું. ભૂલનાં કારણોને જીવતદાન દઈ દેવાનું. પરિણામ આનું એ આવ્યું છે કે પાણી, ખાતર અને પ્રકાશ મળી બીજ જેમ જમીનની બહાર અંકુરરૂપ પ્રગટ થઈ જાય છે તેમ અનુકૂળ સંયોગ-સામગ્રી અને વાતાવરણ મળતાં, મનની ભૂમિમાં ધરબાયેલા દોષો કાયામાં આચરણરૂપે પ્રગટ થઈ ગયા છે.
જનમોજનમથી મેળવેલ આ ખતરનાક વૃત્તિથી જો આપણે જીવનને બચાવી લેવા માગીએ છીએ તો બે જ કામ કરવા જેવા છે. દોષનાં કારણોને મનની ભૂમિમાંથી ઉખેડી નાખીને બહાર ફેંકી દઈએ. એક કામ આ કરીએ અને બીજું કામ એ કરીએ કે જાયે-અજાણે પણ ભૂલ થઈ જાય, દોષ સેવાઈ જાય તો એનો બચાવ ન કરતાં સ્વીકાર કરી લઈને એ ભૂલને-દોષને સુધારવાના પ્રયત્નોમાં લાગી જઈએ ! જીવન ભૂલમુક્ત રાખવામાં વહેલી-મોડી પણ સફળતા મળીને જ રહેશે.