________________
વાંસના કજિયામાં,
વન બળે
વિપિન પરીખની આ પંક્તિઓઃ અગ્નિની સાખે કહ્યું હતું : ‘તારા સિવાય હર્વ મને કોઈ નહીં, કદી નહીં, કોઈ નહીં' કહ્યું હતું : ‘આપણાં તો દેહ જ અલગ અલગ. આપણે તો સદાકાળ સાથે સાથે.. અને આપણું એ સ્વપ્ન.. એક પુત્ર. પુત્ર ડૉક્ટર થશે. એક પુત્રી. ગુલાબનું તાજું ફૂલ થઈ મહેકશે ! એ આપણી જ હથેળી હતી. જેને સમયના ડંકા સાંભળવા નહોતા ગમતા? આ શું સાચું છે. આપણે એકમેકને પ્રેમ કરતાં હતાં ? હવે પુત્ર કોની સાથે જશે ? પુત્રી કોની સાથે જશે?
જંગલમાં કજિયા વાંસ વચ્ચે થાય છે અને એની સજા સમસ્ત જંગલને થાય છે. આખું ને આખું જંગલ સળગીને ભસ્મીભૂત થઈ જાય છે. ઘરમાં સંઘર્ષો પતિ-પત્ની વચ્ચે થાય છે અને છતે મા-બાપે પુત્ર-પુત્રીઓ અનાથ થઈ જાય છે. બે રાષ્ટ્રના મહારથીઓનો અહં ટકરાય છે અને ખુરદો પ્રજાજનોનો બોલાઈ જાય છે. લડાઈ ગલીના બે ગુંડાઓ વચ્ચે થાય છે અને ગલીના રહેવાસીઓ ત્રાહિમામ્ પોકારી જાય છે. તડાફડી સાસુ અને વહુ વચ્ચે થાય છે અને તનાવ દીકરા [પતિ]ના મનમાં પેદા થઈ જાય છે. પિતા અને કાકા બાંયો ચડાવવા લાગે છે અને અશાંતિ આખા પરિવારમાં ઊભી થઈ જાય છે.
આ બધું તો ઠીક છે પરંતુ ખરી મુશ્કેલી તો ત્યારે સર્જાય છે કે જ્યારે લડાઈ મન
અને હૃદય વચ્ચે થાય છે, બુદ્ધિ અને લાગણી વચ્ચે થાય છે અને હાલત આત્માની બગડી જાય છે. મન દોડવાની વાત કરે છે પ્રેય તરફ અને હૃદય કદમ માંડવા માગે છે શ્રેય તરફ...મન કહે છે, સંઘર્ષ વિના જગતના બજારમાં ટકી શકાશે નહીં અને હૃદય કહે છે સમાધાનવૃત્તિના સ્વામી બન્યા વિના પ્રસન્નતા અનુભવી શકાશે નહીં. બુદ્ધિ કહે છે, તર્ક વિના સફળતાનાં દર્શન નહીં થાય અને લાગણી કહે છે, શ્રદ્ધા વિના જીવનને સરસ નહીં બનાવી શકાય... મન કહે છે, “આ લોક મીઠા તો પરલોક કોણે દીઠા ?' અને હૃદય કહે છે, “આ લોક જો ત્યાગમય તો પરલોક સુખમય.’
આમાં સૌથી મોટી કરુણતા તો એ સર્જાય છે કે વીતેલા અનંતકાળમાં મન અને હદય વચ્ચેની લડાઈમાં મન જ જીત્યું છે. બુદ્ધિ અને લાગણી વચ્ચેની લડાઈમાં બુદ્ધિ જ વિજેતા બની છે. પ્રેમ અને શ્રેય વચ્ચેની ખેંચતાણમાં પ્રેમ જ બાજી લગાવી ગયું છે. તર્ક અને શ્રદ્ધા વચ્ચેના સંઘર્ષમાં તર્ક જ જીતી ગયો છે.
સાચે જ આપણે જો આત્માને સાચવી લેવા અને જિતાડી દેવા માગીએ છીએ, સદ્ગતિની પરંપરા સર્જવા દ્વારા પરમગતિમાં આત્માને શીધ્ર બિરાજમાન કરી દેવા માગીએ છીએ, પુણ્યના ઉદયકાળમાં આત્માને પ્રભુપ્રિય બનાવી રાખવા માગીએ છીએ તો આપણે એક જ કામ કરવા જેવું છે, મન અને હૃદય વચ્ચેની લડાઈમાં હૃદયને જ આપણે જિતાડતા રહેવા જેવું છે. બુદ્ધિ અને લાગણી વચ્ચેના સંઘર્ષમાં બુદ્ધિને જ આપણે પરાજિત કરતા રહેવા જેવું છે.
ફરી યાદ દેવડાવું છું કે મન અને હૃદય વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરી દેવાની જરૂર નથી, હૃદયને જ જિતાડતા રહેવાની જરૂર છે. જ્યાં હૃદય જીત્યું ત્યાં આત્મા સલામત બની ગયો જ સમજો.