________________
ભાઈ સારા છે પણ લક્ષણ માર ખાવાના છે
છે
કો’ક અજ્ઞાત લેખકની આ પંક્તિઓઃ મને રોજ રાતે જમણી આંખમાં રામરાજ્ય સ્થાપવાના સ્વપ્ન આવે છે લંકામાં ! અને ડાબી આંખમાં સીતાનું હરણ કરવાના સ્વપ્ન આવે છે અયોધ્યામાં ! હનુમાનની ચિરાયેલી છાતીમાં જોયું તો મારું જમણું અંગ રાવણનું હતું અને ડાબું અંગ રામનું હતું !
માણસની ઓળખાણ આપવી હોય તો આ શબ્દોમાં આપી શકાય. આચરણ સારું પણ અંતઃકરણ ખરાબ એ માણસ. આંખ સ્વચ્છ પણ નજર મલિન એ માણસ, શબ્દો સારા પણ ડંખ કાતિલ એ માણસ. ફોટો સરસ પણ ઍક્સ-રે બગડેલો એ માણસ. આકૃતિ સારી પણ પ્રકૃતિ વિકૃત એ માણસ.
દુઃખદ આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે આ વિરોધાભાસી વલણ-વર્તાવથી માણસ દુ:ખી જ થાય છે, ઉદ્વિગ્ન જ રહે છે, સંક્લેશગ્રસ્ત જ રહે છે, તનાવગ્રસ્ત જ રહે છે અને છતાં વિરોધાભાસી એ વલણથી અને વર્તાવથી પોતાની જાતને દૂર રાખવા તૈયાર થતો જ નથી.
કારણ છે આની પાછળ, ગટરને સાફ કરી નાખવા કરતાં ગટર પર ઢાંકણું. બેસાડી દેવામાં માણસને વધુ ફાવટ છે. બગડી ગયેલા ગાદલાને ધોઈ નાખવા કરતાં
એના પર ચાદર ઢાંકી દેવામાં માણસને વધુ સરળતા અનુભવાય છે. શરીરમાં પેદા થયેલ તાવને જડમૂળથી દૂર કરી દેવાના બદલે એને દબાવી દેવામાં માણસને વધુ રાહત અનુભવાય છે. બસ, એ જ ન્યાયે જીવનમાં રહેલ દોષોને વીણીવીણીને સાફ કરી દેવાને બદલે એ તમામ દોષોને દંભના અંચળા હેઠળ દબાવી રાખવામાં માણસને વધુ આનંદ આવે છે.
પણ કોણ સમજાવે માણસને કે દંભના સેવન દ્વારા ખરાબીને પ્રગટ થતી અટકાવી દેવામાં સફળતા મળી જવા માત્રથી તારી દુર્ગતિ અટકી જવાની નથી કે તારી મનની પ્રસન્નતા અકબંધ બની જવાની નથી. તારું મન શાંત રહેવાનું નથી કે તારું અંતઃકરણ પવિત્ર બની જવાનું નથી !
વાસ્તવિકતા જ્યારે આ જ છે ત્યારે આપણે એક જ કામ કરવાની જરૂર છે. લક્ષ્ય સ્પષ્ટ કરી દઈએ. ‘મારે સારા બનવું છે'T WANT TO BE GooD. સારા દેખાવું છે એ લક્ષ્ય નહીં પરંતુ સારા બનવું છે એ લક્ષ્ય. અને જ્યાં આ લક્ષ્ય આપણું નિશ્ચિત થઈ જશે ત્યાં એની પાછળ એક બીજો નિર્ણય અંતઃકરણ કરી જ બેસશે. મારે સારી લાગણી અનુભવવી છે'TWANT TO FEEL GooD.
ટૂંકમાં, જો મારે સારા જ બનવું છે અને સારા બનવા માટે સારી લાગણી જ અનુભવવી છે તો પછી દંભના સેવનને અવકાશ જ ક્યાં રહેવાનો છે ? કારણ કે દંભનું મૂળ તો સારા ન હોવા છતાં સારા દેખાવાની વૃત્તિ છે.
આવો, ‘ભાઈ સારા છે પણ લક્ષણ માર ખાવાના છે' આ કલંકના શિકાર બનવામાંથી કમ સે કમ આપણી જાતને તો આપણે દૂર કરી જ દઈએ. પ્રસન્નતા અને પવિત્રતા, શાંતિ અને સદ્બુદ્ધિ, સમાધિ અને સદ્ગતિ હાથવગાં બનીને જ રહેશે.