________________
F
ધોબીના ઘરમાં ખાતર પડે તો
ઘરાકનું જાય
પાપ શરીર કરે છે, પાપવિચારો મન કરે છે, એની સજા આત્માને ભોગવવી પડે છે. નિર્વિકારભાવ એ જે આત્માનો સ્વભાવ છે એ આત્માને મનના વિકારોના કારણે દુર્ગતિમાં જવું પડે એ કરુણતા નથી? અમરપણું એ જે આત્માનો સ્વભાવ છે એ આત્માને વારંવાર મરવું પડે એવી નિગોદાદિ ગતિઓની મુલાકાતો લેતા રહેવું પડે એ દુ:ખદ સ્થિતિ નથી ? જે અજરપણું આત્માનો સ્વભાવ છે એ આત્માને વૃદ્ધાવસ્થાના શિકાર બનતા શરીરમાં કેદ થવું પડે એ કર્મસત્તાની કૂરતમ મશ્કરી
નથી ?
મકરંદ દવેની આ પંક્તિઓ : ‘નો પ્રોબ્લેમ'નો મુલક નિહાળ્યો આંખે જેમાં બધાય લોકો, બધું ય સાંખે દરદી ડચકાં ખાતો છેલ્લા શ્વાસે ‘નો પ્રોબ્લેમ” કહી દાક્તર સા'બ તપાસે કડડભૂસ કરતું જો મકાન તૂટે ઇજનેર માપે ‘નો પ્રોબ્લેમ ની કૂટે ડાકુઓ જો લૂંટે ચોરે ધાડે પોલીસ ‘નો પ્રોબ્લેમ'ની બુક ઉઘાડે ડાહ્યાડમરા લોક ચલાવે ગાડું ‘નો પ્રોબ્લેમ’નું એક જ પકડી નાડું ડૂબી મરો કે બળી મરો તમ આગે ‘નો પ્રોબ્લેમ’ની રેકર્ડ નિશદિન વાગે જપજપો આ મંત્ર નવીન, અનોખો પુણ્યવંત હે “નો પ્રોબ્લેમ'નાં લોકો
દર્દી મરી જાય છે, ડૉક્ટરના ચહેરા પર હાસ્ય ટકવામાં કોઈ જ તકલીફ પડતી નથી. મકાન તૂટી જાય છે, ઇજનેરના સુખમાં કોઈ જ કડાકો બોલાતો નથી. પ્રજાજનો ડાકુઓના હાથે લૂંટાઈ જાય છે, પોલીસોની પ્રસન્નતામાં કોઈ જ ફરક પડતો નથી. મોઘવારીની ચક્કીમાં પ્રજાજનો પિસાતા રહે છે, રાજનેતાઓને લાલ લાઇટવાળી ગાડીઓમાં ફરવામાં કોઈ જ તકલીફ પડતી નથી. ચોરી ધોબીના ઘરમાં થાય છે, ઘરાકોનાં કપડાંઓ જાય છે, ધોબીના હાસ્યમાં કોઈ જ ફરક પડતો નથી. પુણ્યના ઉદયકાળમાં પાપો આત્મા કરે છે, પુણ્યકર્મને કાંઈ જ તકલીફ પડતી નથી. આત્મા બિચારો દુર્ગતિની યાત્રાએ નીકળી પડે છે.
સંદેશ સ્પષ્ટ છે.
ભોજન છગન કરે અને સંડાસ મગનને જવું પડે એવું ભલે ક્યારેય બનતું નહીં હોય, મોત રમણનું થાય અને અગ્નિસંસ્કાર ગમનના કરી દેવામાં આવે એવું ભલે
ક્યારેય બનતું નહીં હોય, ઉઘરાણી ચિન્હને કેન્દ્રમાં રાખીને કરવાની હોય અને એની પતાવટ પિન્ટ સાથે કરવી પડે એવું ભલે ક્યારેય બનતું નહીં હોય પરંતુ ભૂલ કહો તો ભૂલ અને પાપ કહો તો પાપ શરીર અને મન કરે છે અને એની સજા આત્માને ભોગવવી પડે છે એવું તો બને જ છે.
આપણે શરીરને અને મનને એનું સ્થાન બતાવી દેવા જો માગીએ છીએ અને આત્માને જો ન્યાય અપાવવા માગીએ છીએ તો આવો, એક કામ કરીએ. શરીરને શુભ પ્રવૃત્તિઓમાં અને મનને શુભ અધ્યવસાયોમાં આપણે જોડી દઈએ. ચમત્કાર એ સર્જાશે કે સારું ભલે શરીર અને મન કરશે પણ એનું ઇનામ આત્માને મળી જશે. આત્મા એના મૂળભૂત સ્વભાવનો ઉઘાડ કરવામાં સફળ બનીને જ રહેશે.
ગલત પ્રવૃત્તિ-વૃત્તિના શિકાર બનતા રહીને શરીર અને મન દ્વારા આત્માને થયેલ નુકસાન જો સપ્રવૃત્તિ-વૃત્તિમાં શરીર-મનને જોડી દેવાથી ભરપાઈ થઈ જતું હોય તો એ સોદો કરી લેવામાં લેશ વિલંબ કરવા જેવો નથી.