________________
વગેરે દુ:ખો છે. કહ્યું છે કે – હે ગૌતમ ! અગ્નિમાં તપાવી લાલચોળ કરેલી સોયો એક સાથે શરીરમાં ઘોંચવાથી જેટલી વેદના થાય છે, તે કરતાં આઠ ગણી વેદના ગર્ભાવાસમાં થાય છે. જીવ જન્મ વખતે ગર્ભમાંથી બહાર નીકળતા યોનિતંત્રમાં પીલાય છે, ત્યારે તેને ઉપર કહેલી વેદનાથી લાખ ગણી અથવા કરોડ-કરોડ ગણી વેદના થાય છે. બંદીખાનામાં અટકાવ, વધ, બંધન, રોગ, ધનનો નાશ, મરણ, આપદા, મનમાં સંતાપ, અપયશ, નિંદા એવા દુ:ખો મનુષ્ય ભવમાં છે. કેટલાક જીવો મનુષ્યભવ પામીને પણ માઠી ચિંતા, સંતાપ, દારિદ્રય અને રોગ વગેરેથી ઉદ્વેગ પામીને આત્મહત્યા કરી) મરી જાય છે. ખેદ, મદ, અહંકાર, ક્રોધ, માયા, લોભ, વગેરે દોષોથી દેવો પણ ખરાબ ભવ પામેલા છે. તેથી તેમને સુખ ક્યાંથી હોય? વગેરે વાતો સંસારને દુ:ખમય સિદ્ધ કરે છે.
ધર્મના મનોરથો ધર્મની મનોરથ ભાવના આવી બતાવી છે. શ્રાવકના ઘરમાં જ્ઞાન-દર્શનધારી દાસ થવું સારું - પણ મિથ્યાત્વથી ભરેલી બુદ્ધિવાળા ચક્રવર્તી પણ થવું સારું નથી. હું સ્વજનવગેરેનો સંગ મુકી ક્યારે ગીતાર્થ અને સંવેગી ગુરુ મહારાજના ચરણમાં દીક્ષા લઇશ? હું તપસ્યાથી દુર્બળ શરીરવાળો થઇ ક્યારે ભયથી અથવા ઘોર ઉપસર્ગથી ડર્યા વિના સ્મશાનવગેરેમાં કાઉસ્સગ્ન કરી ઉત્તમ પુરુષોની કરણી કરીશ? વગેરે... અહીં દશમી ગાથાનો વિસ્તરાર્થ સંપૂર્ણ થયો.
તપગચ્છીય શ્રી રત્નશેખરસૂરિ-વિરચિત “શ્રાદ્ધવિધિપ્રકરણ'ની “શ્રાદ્ધવિધિ કૌમુદી’ ટીકામાં દ્વિતીય રાત્રિકૃત્ય પ્રકાશ સંપૂર્ણ થયો.
ટી.વી.ની ફાલતુ સીરિયલો અને કામ વિનાના સમાચારો આપણા સમયને, ઉંઘને, વિચારોને અને સપનાઓને બગાડે છે. તેથી તે છોડી શકાય એટલા મનના મજબુત બનો. એ છુટશે, તો રાતે વહેલી ઉંઘ આવશે. તો સવારે વહેલા ઉઠાશે. તો સવારના શાંત વાતાવરણમાં પ્રતિક્રમણ - સામાયિક - જાપવગેરે પવિત્ર કાર્યોથી આત્માનું હિત સાધી શકાશે ને એ મંગલ કરવાથી દિવસ પણ સારો જશે.
નામમાત્રથી જૈનમાંથી ભાવશ્રાવક બનવા રાતના ચોવિહાર-તિવિહાર કરવા અત્યંત જરુરી છે. સાંજે પણ દેરાસરે દર્શન કરવા જવાની ટેવ પાડવા જેવી છે. આરતી-મંગળ દીવા વખતે સંઘ સભ્યો સારી સંખ્યામાં ઉપસ્થિત હોય, તો ભાવોલ્લાસ વધશે. વિશિષ્ટ પુણ્યનું સર્જન થશે. એ અવસરે ભેગા થયેલા સંઘસભ્યો સંઘઅંગે, શાસનઅંગે, અનુકંપાવગેરે માટે ચર્ચા-વિચારણાઓ કરી સુંદર સુકૃતના સંકલ્પો કરી શકે.
૨૧૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ