________________
અડધો ડુબ્યો હોય, ત્યારે ગીતાર્થો પ્રતિક્રમણ સૂત્ર કહે છે. આ વચનના પ્રમાણથી દેવસી પ્રતિક્રમણનો એ રીતનો સમય સમજવો. રાઇએ પ્રતિક્રમણનો સમય – આવશ્યકનો સમય થયે આચાર્ય નિદ્રા ત્યાગ કરે. પછી પ્રતિક્રમણ એવી રીતે કરે કે દસ ઉપધિના પડિલેહણની તરત પછી સુર્ય ઉગે. (રાઇએ પ્રતિક્રમણ પછી તરત પડિલેહણ છે.).
અપવાદથી તો દેવસીઅ પ્રતિક્રમણ દિવસના ત્રીજા પ્રહરથી માંડી અડધી રાત સુધી કરી શકાય. યોગશાસ્ત્રની વૃત્તિમાં મધ્યાહ્નથી માંડી અડધી રાત સુધી કરી શકાય એમ કહ્યું છે. રાઇએ પ્રતિક્રમણ મધ્યરાતથી માંડી મધ્યાહ્ન સુધી કરી શકાય. (આ અપવાદપદ છે.) કહ્યું પણ છે – આવશ્યક ચૂર્ણિગ્રંથના અભિપ્રાયથી ઉદ્ઘાડપોરિસી (સૂર્યોદય પછી પોણા પ્રહર) સુધી અને વ્યવહારસૂત્રના અભિપ્રાયથી પુરિમટ્ટ (દિવસના બે પ્રહર) સુધી રાઇઅ પ્રતિક્રમણ કરી શકાય. પાક્ષિક, ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ ક્રમશ: પંદર દિવસ, ચાર મહિના અને વરસના અંતે થાય છે.
પાક્ષિક પ્રતિક્રમણ ચૌદસે કરવું પ્રશ્ન:- પાક્ષિક પ્રતિક્રમણ ચૌદસે કરવાનું કે અમાસ-પુનમે? સમાધાન :- ચૌદસે. જો પુનમે કરવાનું હોત, તો ચૌદસનો ઉપવાસ કરવાનો કહ્યો છે, અને પુનમે પાક્ષિકનો ઉપવાસ એમ પાક્ષિક પણ છટ્ટથી થાત. અને તો – ‘અટ્ટમ, છટ્ટ અને ઉપવાસ ક્રમશ: સંવત્સરી, ચોમાસી અને પાક્ષિકમાં હોય છે એવા આગમ સાથે વિરોધ થાત.
વળી જ્યાં ચૌદસની વાત છે, ત્યાં પાક્ષિકની વાત અને જ્યાં પાક્ષિકની વાત છે, ત્યાં ચૌદસની વાત અલગ આવતી નથી. તે આ રીતે - પાક્ષિકસૂત્રની ચૂર્ણિમાં - ‘આઠમ ચૌદસે ઉપવાસ કરવો જોઇએ” અને આવશ્યકચૂર્ણમાં – ‘તે આઠમ ચૌદસે ઉપવાસ કરે” એમ કહ્યું છે. વ્યવહારસૂત્રની ભાષ્યપીઠિકામાં ‘આઠમ - પાક્ષિકે ઉપવાસ, ચોમાસીએ છટ્ટ અને સંવત્સરીએ અટ્ટમ કરવો.” એમ કહ્યું છે. મહાનિશીથસુત્રમાં આઠમ, ચૌદસ, જ્ઞાનપાંચમ ચોમાસા... વગેરે કહ્યું છે. વ્યવહારસુત્રના છઠ્ઠા ઉદ્દેશમાં ‘પખવાડિયામાં આઠમ અને મહીનામાં પાક્ષિક જાણવું' ઇત્યાદિ પાઠઅંગે પાક્ષિક શબ્દની વ્યાખ્યા ટીકામાં અને ચૂર્ણિમાં એમ બંનેમાં ચૌદસ જ કરી છે. તેથી નિશ્ચય થાય છે, ચૌદસે જ પખી પ્રતિક્રમણ કરવું.
ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ પૂર્વે ક્રમશઃ પુનમે અને પાંચમે જ થતા હતા, પણ શ્રી કાલિકાચાર્યે ચોથની સંવત્સરી આચર્યા પછી એ પણ ક્રમશઃ ચૌદસે અને ચોથે થાય છે. આ સર્વસંમત હોવાથી પ્રમાણભૂત જ ગણાય છે. કલ્પસૂત્ર ભાષ્ય વગેરેમાં કહ્યું છે – અશઠે (માયાઆદિથી નહીં) જે કાંઇ નિરવદ્ય (= નિર્દોષ) આચરણ કર્યું હોય અને અન્ય ગીતાર્થ સંવિગ્નોએ અટકાવ્યું નહીં હોય, તો તે બહુમતઆચરિત ગણાય છે. (જે તેથી પ્રમાણભૂત ગણાય છે.) તીર્થોદ્ગાર વગેરે ગ્રંથોમાં પણ કહ્યું છે - શાલિવહન રાજા પાસે સંઘના આદેશથી શ્રીકાલિકાચાર્યે પર્યુષણ (સંવત્સરી) ચોથના અને ચોમાસી ચૌદસના કરાવી. શ્રીવીરનિવાર્ણથી ૯૯૩માં વર્ષથી શ્રી ચતુર્વિધ સંઘ ચોમાસી પ્રતિક્રમણ પષ્મી પ્રતિક્રમણના દિવસે કરે છે. અને તે આચરણ પ્રમાણભૂત છે. આ વિષયમાં વધુ જાણવાની ઇચ્છાવાળાએ પૂજ્યશ્રી કુલમંડનસૂરિએ રચેલો વિચારામૃતસંગ્રહ ગ્રંથ જોવો. ૨૦૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ