________________
આ રીતે પૃથ્વી પર ભમતાં એણે બીજા દિવસે એક નગર જોયું. કિલ્લાવગેરેથી અદ્ભુત એ નગરથી આકર્ષાયેલો એ નગરના કિલ્લામાંથી જ્યાં પ્રવેશ કરવા જાય, ત્યાં જ ત્યાં રહેલી એક મેનાએ મધુર સ્વરે અંદર જતાં અટકાવ્યો. ત્યારે વિસ્મય પામેલા કુમારે પૂછ્યું - હે મેના ! તમે મને અટકાવો છો? ત્યારે મેનાએ કહ્યું - હે મહાપ્રાજ્ઞ ! હું તને તારા હિત માટે જ અટકાવું છું. જો તને જીવવાની ઇચ્છા હોય, તો અંદર પ્રવેશ કર નહીં. એમ નહીં માનીશ કે આ મેના વ્યર્થ અટકાવે છે. પક્ષી હોવા છતાં હું ઉત્તમપણાને પામી છું. તેથી વગર કારણે હું વચનમાત્ર પણ ઉચ્ચારતી નથી. જો તારે કારણ જાણવું હોય, તો સાંભળ →
આ નગરનું નામ રત્નપુર છે. અહીં પરાક્રમ અને પ્રતાપથી ખરેખર પુરંદર (ઇંદ્ર) જેવો પુરંદર નામનો રાજા હતો. એ નગરમાં એક ચોરનો ઉપદ્રવ થયો. એ રોજ જુદા જુદા ઠેકાણે જુદા જુદા પ્રકારના ખાતર પાડી ચોરી કરે. પણ કોટવાળો વગેરે કોઇ એને પકડી શકે નહીં. નગર લોકોએ રાજાને આ ઉપદ્રવથી બચાવવા વિનંતી કરી. તેથી રાજાએ ક્રોધથી કોટવાળને આ અંગે પૂછ્યું. ત્યારે કોટવાળે કહ્યું - અસાધ્ય રોગ જેવા આ ઉપદ્રવમાં પ્રતિકારનો એક પણ ઉપાય કારગત નીવડ્યો નથી. તેથી આપને ઉચિત લાગે એમ કરો. તેથી રાજા સ્વયં રાતના સમયે ચોરને શોધવા નીકળ્યાં. એકવાર ક્યાંક ખાતર પાડીને ચોરીનો માલ લઇ જતો ચોર રાતના પણ રાજાને દેખાયો. સાવધાન માણસ શું સાધી ન શકે? તેથી રાજા ગુપ્તરીતે એની પાસે જવા માંડ્યા. પણ ચો૨ને એના ભાગ્યથી ખબર પડી કે રાજા પાછળ પડ્યો છે. તેથી ધૂર્તવિદ્યામાં કુશળ ચોરે કોઇ પણ રીતે રાજાની નજર ચુકવી એક મઠમાં પ્રવેશ કર્યો. એ મઠમાં અત્યંત સરળ સ્વભાવી કુમુદ નામનો તાપસ નિવાસ કરતો હતો. એ તાપસ પોતાના મઠમાં સુતો હતો, ત્યારે ચોર બધો ચોરેલો માલ એની પાસે મૂકી દઇ પોતે ક્યાંક ભાગી ગયો.
આ બાજુ એને આમ-તેમ શોધતા રાજા પણ એ જ મઠમાં પ્રવેશ્યા. ત્યાં ચોરીના માલ સાથે તાપસને જોયો. જોયેલું પણ બધું સાચું હોતું નથી. તેથી ઊંડી તપાસ - મધ્યસ્થભાવે તપાસ કર્યા વિના કોઇ નિર્ણય ક૨વો જોઇએ નહીં કે કોઇને અપરાધી માની લેવો જોઇએ નહીં. સત્પુરુષના આ માર્ગને રાજા ભૂલી ગયો. તેથી ક્રોધગ્રસ્ત થયેલા રાજાએ તાપસને ઉઠાડી કહ્યું - રે દુષ્ટ ! ચોર ! ચોરી કરીને હવે ઉંઘવાનો ડોળ કરે છે ! તને હવે લાંબી ઉંઘમાં સુવાડી દઇશ ! રાજાની આવી વાત સાંભળી સંભ્રાન્ત થઇ ઉંઘમાંથી ઉઠેલો તાપસ ધ્રુજવા માંડ્યો. એ એટલો બધો ડરી ગયો કે બોલી પણ શક્યો નહીં. નિર્દય થયેલા રાજાએ તાપસને સુભટો દ્વારા બંધાવી સવારે ફાંસી આપી દેવાની આજ્ઞા કરી. ત્યારે ‘અરે! મેં ચોરી કરી નથી, છતાં મને કેમ વિચાર્યા વિના મારો છો,’ એમ તાપસે કહેવા છતાં કોઇને એની વાત વજુદવાળી લાગી નહીં. ભાગ્ય રૂઠે ત્યારે કયું સંકટ ન આવે? હજારો તારાઓની હાજરીમાં રાહુ ચંદ્રને ગ્રસી જાય છે.
યમરાજાના સાક્ષાત દૂત જેવા સુભટોએ એ તાપસની ગધેડાપર બેસાડી વિવિધ પ્રકારે વિડંબના કરી. પછી સવારે એને શૂલીપર ચઢાવી દીધો. ખરેખર પૂર્વે કરેલા કર્મના વિપાક દારુણ હોય છે. તે વખતે શાંત એવા પણ આ તાપસને ક્રોધ આવી ગયો. બહુ તપાવો તો ઠંડુ ગણાતું પાણી પણ ગરમ થઇ જાય છે. શૂલિપર ભેદાઇને મરેલો એ રાક્ષસ તરીકે ઉત્પન્ન થયો. આવી રીતે મરનારાઓની પ્રાયઃ આવી ગતિ થતી હોય છે. એ રાક્ષસે ઉત્પન્ન થતાવેંત રોષથી એ રાજાને મારી નાખ્યો. નગરના શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૯૩