________________
થઇ ગયા. છાતીમાંથી લોહી નીકળવા છતાં ક્રોધથી અંધ થયેલા વિદ્યાધર રાજાએ બહુરૂપિણી વિદ્યાથી એક સાથે અનેક રૂપ કર્યા. કુમાર જ્યાં જ્યાં નજર નાંખે, ત્યાં ત્યાં આ રાજા જ દેખાય. છતાં કુમાર ગભરાયો નહીં, ખરેખર ધીર પુરુષો કલ્પનો અંત આવે એવી આપત્તિમાં પણ કાયર થતા નથી. હવે કુમાર તો લક્ષ્ય સાધ્યા વિના જ બાણ છોડી એને પીડવા માંડ્યો. પણ તે વખતે કુમારને આ મોટી આપત્તિના સંકટમાં જોઇ ચંદ્રચુડદેવ મોટું મુગર લઇ એ રાજાને હણવા તત્પર થયો.
દેવને ભયંકર રૂપ ધારણ કરી આવતો જોઇ વિદ્યાધર રાજા ક્ષણભર ક્ષોભ પામ્યો. પછી ધૈર્ય ધારણ કરી બધા રૂપોથી ને બધા શસ્ત્રોથી દેવ પર પ્રહાર કરવા માંડ્યો. પણ દેવના દિવ્ય પ્રભાવથી અને કુમારના પરમ ભાગ્યથી એ પ્રહારો દુર્જન પર કરેલા ઉપકારની જેમ નિષ્ફળ ગયા. પછી દેવે એ રૂપોમાંથી જે મુખ્ય રૂપ હતું, એના માથાપર જોરથી મુગર પ્રહાર કર્યો. આ પ્રહાર એટલો તીવ્ર હતો કે સામાન્યથી તો મનુષ્ય મરી જ જાય. પણ બહુરૂપિણી વિદ્યાના પ્રભાવથી રાજા મર્યો નહીં. પણ ભય પામેલી બહુરૂપિણી વિદ્યા ત્યાંથી નાસી ગઇ. તેથી ‘આ કુમાર પોતે જ દુશ્મનો માટે રાક્ષસ જેવો છે, ને એમાં એને દેવની સહાય છે.એમ વિચારી વિદ્યાધર રાજા પણ ભાગ્યો. કેમકે આવા સ્થાનોથી તો જે ભાગે તે જ જીવે. તે વખતે એનું ભાગવું જાણે કે એની ભાગી ગયેલી વિદ્યાને જોવા જ જતો હોય એવું લાગ્યું. એની પાછળ એની પૂરી સેના પણ ભાગી ગઇ, -દીવો બુઝાઇ ગયા પછી એના કિરણો પણ ક્યાં રહેવાના?
અત્યંત સકમાર ( કોમળ) કુમારે એ કઠોર વિદ્યાધર નરેન્દ્રપર વિજય મેળવ્યો એ બતાવે છે કે જે પક્ષે ધર્મ હોય, એ પક્ષનો જ છેવટે જય થાય છે. પછી રત્નસાર દેરાસરના પરિસરમાં પાછો ફર્યો. તિલકમંજરી પણ કુમારના પરાક્રમથી પ્રભાવિત થઇ ગઇ. એણે વિચાર્યું - આ યુવાન ત્રણ લોકમાં રત્ન સમાન છે. આ પતિ તરીકે મળવો એ પણ ભાગ્યની નિશાની છે. બેનનું મિલન થાય, તો અમે બંને આને વરીએ.
પછી કુમારે તિલકમંજરીના હાથમાંથી હંસીને પોતાના હાથમાંથી લીધી. ત્યારે હંસીએ કહ્યું – હે કુમારેન્દ્ર ! વીર શિરોમણિ ! હે મહાપરાક્રમી ! દીર્ઘકાળ જીવ ! જય પામ ! મારા કારણે તમને ઘણું કષ્ટ પડ્યું. છતાં મને લાગે છે કે પેલા વિદ્યાધર રાજા મારા ઉપકારી છે કે જેના કારણે મને તમારું શરણ મળ્યું. અમારા જેવા તો તમારા જેવાની કૃપાથી જ દીર્ઘકાળ સુખ પામી શકીએ. ત્યારે કુમારે પૂછ્યું - તું કોણ છે? પેલો વિદ્યાધર રાજા તને કેમ ઉપાડી ગયો? તું મનુષ્ય ભાષામાં કેમ બોલી શકે છે? હંસીએ કહ્યું – ઉતુંગ જિનાલયોથી શોભતો ઉંચો વૈતાદ્ય પર્વત છે. એ પર્વત પર રથનુપૂર ચક્રવાલ નામનું શ્રેષ્ઠ નગર છે. પેલો વિદ્યાધર રાજા ત્યાંનો તરુણીમૃગાંક નામનો રાજા છે.
એકવાર એ રાજા કનકપુરી નગરના આકાશમાર્ગેથી જઇ રહ્યો હતો. ત્યારે એની નજર ત્યાંના ઉદ્યાનમાં હિંડોળાપર રહેલી અશોકમંજરી નામની રાજકન્યાપર પડી. સાક્ષાત અપ્સરા જેવી દેખાતી એ કન્યાના રૂપથી ક્ષોભ પામેલો તે રાજા પવન ઉત્પન્ન કરી એ કન્યાને હિંડોળા સહિત ઉપાડી ગયો. પોતાના ઇષ્ટને સિદ્ધ કરવા માણસ શું નથી કરતો? પછી એ કન્યાને એણે શબરસેના નામના જંગલમાં મૂકી. ત્યારે હરણીની જેમ ત્રાસ પામેલી એ કન્યા રડવા માંડી. તે વખતે એ રાજાએ કહ્યું – તમારે રડવાની જરૂર નથી. હું ચોર કે પરસ્ત્રીગમન કરનારો દુષ્ટ નથી. હું તો વિદ્યાધર રાજાઓનો પણ શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૮૯