________________
ત્યારે આના વચનને અપશુકનરૂપ સમજી તે ખેડુતો એને મારવા માંડ્યા. પછી એની પાસેથી સાચી હકીકત જાણી જવા દીધો ને સાથે સલાહ આપી - આવા પ્રસંગે તો એમ કહેવું કે “આ બહુ બહુ થાઓ’ આ વચનને મનમાં ધારી તે આગળ ચાલ્યો.
આગળ જતાં એક ગામમાં કોઇક મરણ પામેલાના શબને ઉપાડી જતા લોકોને જોઇ તે બોલ્યો “આ બહુ બહુ થાઓ તે વખતે તે લોકોએ પણ અપશુકનિયાળ સમજી તેને માર્યો. તેમની પાસે પણ બનેલી બીના તેણે કહી. તેથી તેઓએ શિખામણ આપી કે, આવા પ્રસંગે તો “આવું ન થાઓ” એમ બોલવું.
રસ્તામાં એક ઠેકાણે વિવાહની વિધિ ચાલતી હતી. ત્યાં જઇ એ બોલ્યો “આવું થાઓ નહીં.” તેથી આ વિવાહવિરોધી વચન સાંભળી ત્યાં રહેલા લોકોએ એને માર્યો. એણે બધાને સાચી વાત જણાવી. ત્યારે તેઓએ કહ્યું - આવા અવસરે તો એમ કહેવું કે ‘આ કાયમ માટે થાઓ.”
આ વાત યાદ રાખી આગળ જતાં એક અપરાધીને બેડી બંધાતી જોઇ કહ્યું – “આ કાયમ માટે થાઓ.” ત્યારે એના સ્વજનોએ આને માર્યો. એણે સાચી વાત કહી, તો જવા દીધો ને કહ્યું - આવા અવસરે ‘આનાથી જલ્દી છુટકારો થાઓ.” એમ કહેવું.
આગળ જતાં એકસ્થળે મૈત્રી કરી રહ્યાં હતા, ત્યાં જઇ આ બોલ્યો - ‘આનાથી જલ્દી છુટકારો થાઓ.” ત્યારે તેઓએ પણ આવી વિરોધી વાત સાંભળી એને માર્યો. સાચું કહેવા પર છુટેલો એ પછી નગરમાં દણ્ડિકપુત્ર (રાજ અધિકારીના પુત્ર) ની સેવામાં લાગ્યો.
એકવાર ભયંકર દુર્ભિક્ષ-દુકાળના અવસરે ધાન્ય ખુટવાથી એ દંડિકપુત્રની પત્નીએ રાબ બનાવી ને આને કહ્યું - તમે આ સમાચાર આપી આવો. ત્યારે એ સભામાં બેઠેલા દડિકપુત્રને જોઇ મોટેથી બોલ્યો - રાબ તૈયાર છે. તમને આરોગવા બોલાવે છે. આથી સભામાં બધા સમજી ગયા, આમના ઘરે ધાન્ય ખુટ્યું છે. દડિકપુત્રને પણ સભા વચ્ચે ઇજ્જત જવાથી ક્ષોભ થયો. ઘરે આવી આને માર્યો ને પછી શીખવાડ્યું - આવી વાત જાહેરમાં મોટેથી નહીં કહેવાની. ખાનગીમાં ધીરેથી કહેવાની.
એકવાર ઘરમાં આગ લાગી. ત્યારે સભામાં જઇ છૂપી રીતે ધીમે આવી ખાનગીમાં કહ્યું – ઘરમાં આગ લાગી છે. આમાં ઘણો સમય જવાથી ઘરને મોટું નુકસાન થયું. ત્યારે દડિકપુત્રે સમજાવ્યું - આવા અવસરે કહેવા આવવાની જરુરત ન હોય. તરત જ કચરો-પાણી જે મળે તે નાખી આગ બુઝાવી નાંખવાની. એકવાર દડિકપુત્ર માથાના વાળને ધુમાડો આપી રહ્યા હતા. ત્યારે આ ધુમાડો જોઇ આગ લાગી છે એમ માની દડિકપુત્રની જ વાતને યાદ રાખી, ત્યાં રહેલો કચરો ઉપાડી માથે નાંખી દીધો.
વાત આ છે કે આ ગામડિયો કહેલી વાતના તાત્પર્યને અને એ ક્યાં ઉપયોગી છે એ સમજી શકતો ન હતો. આના જેવા મૂઢ જીવો ધર્મશ્રવણ આદિ માટે અયોગ્ય છે.
૪. પહેલાથી કોઇએ ભરમાવ્યો હોય તે પણ ગોશાલાથી ભરમાઇ ગયેલા નિયતિવાદી વગેરેની જેમ ધર્મ માટે અયોગ્ય સમજવા. આમ આ ચારે દોષવાળા મનુષ્ય ધર્મ માટે અયોગ્ય જાણવા. ૦૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ