________________
પૈસા જો પુરુષાર્થથી જ મળે છે એ તમારી માન્યતા હોય તો તમને એ પૂછવાનું મન થાય છે કે મજૂરો પુરુષાર્થ પુષ્કળ કરે છે છતાં એમની પાસે પૈસા કેમ નથી ? બુદ્ધિથી પૈસા મળે છે એમ તમે માનતા હો તો તમને પૂછવું છે કે સ્નાતકો બેકાર કેમ છે ? પુરુષાર્થ અને બુદ્ધિ, બંને ભેગા થાય ત્યારે પૈસા મળે છે એમ જો તમે કહેતા હો તો જવાબ આપો કે મંદીમાં ધંધો ચાલતો કેમ નથી ? પુણ્યતત્ત્વને સ્વીકાર્યા વિના તમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી.
બૅટ્સમૅન આઉટ થઈ ગયો પણ ડબલ સેમ્યુરી લગાવીને. પૅવેલિયન તરફ જવા જેવા એણે ક્રીઝ પરથી કદમ ઉઠાવ્યા, સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો ઊભા થઈ ગયા અને તાળીઓના ગડગડાટથી એને વધાવી લીધો. પ્રભુ, જીવનના મેદાન પર હું એવી રમત રમી જાઉં કે મારી વિદાય વખતે જગતના જીવોને તાળીઓના ગડગડાટ કરવા જ પડે.