________________
આકાશનો રાજા ગરુડ આજે વનના રાજા કેસરી સિંહને મળવા એની ગુફામાં પહોંચી ગયો હતો. અલબત્ત, સમસ્ત પંખીજગતમાં અને સમસ્ત પશુજગતમાં આ બંને રાજાઓની મુલાકાતે ગજબનાક આકર્ષણ જમાવ્યું હતું પરંતુ લગભગ એક કલાક જેટલી ચાલેલ મુલાકાત બાદ જે જાહેરનામું બહાર પડ્યું એ વાંચીને બધાએ રાહતનો દમ ખેંચ્યો. જાહેરનામામાં લખવામાં આવ્યું હતું કે સલામતી ચાહે પશુઓની હોય કે પંખીઓની હોય, એનાં કેન્દ્રસ્થાને વૃક્ષો જ છે. માણસજાતને હડકવા લાગ્યો છે ઔદ્યોગિક વિકાસનો અને એ માટે એણે શરૂ કર્યું છે લાખો વૃક્ષોનું નિકંદન કાઢવાનું. જો આપણે સહુએ ટકી રહેવું હોય તો વૃક્ષોને બચાવવા જ જોઈએ અને વૃક્ષોને બચાવી લેવા માટે માણસજાતને વૃક્ષો પાસે આવતા આપણે અટકાવી દેવો જ જોઈએ. અમે સમસ્ત પશુપંખીઓને આ જાહેરનામા દ્વારા જાણ કરીએ છીએ કે તમામ પ્રયાસોથી માણસજાતની જંગલ પ્રવેશ માટે નાકાબંધી કરી જ દો. એનો ઔદ્યોગિક વિકાસ આપણાં જીવનનો નાશ કરી દેનારો બને એ તો શું ચાલે?