________________
પાણી નદીનું જ પીધું હતું અને છતાં એક સાથે પ૦ કબૂતરો રામશરણ થઈ ગયા. ફળો વૃક્ષ પરનાં જ ખાધા હતા અને છતાં એક સાથે ૧OO પોપટો પરલોકમાં રવાના થઈ ગયા. ફિરવા મહાબળેશ્વર જ ગયા હતા અને છતાં ત્યાંની હવામાં એક સાથે સેકડો ચકલાઓ અને તેતરો મરી ગયા. ગરુડરાજના આદેશ હેઠળ એ તમામે પંખીઓના શબનાં પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યા અને પોસ્ટમૉર્ટમનો જે રિપોર્ટ આવ્યો એ રિપોર્ટ ‘આકાશ સમાચાર'માં છપાતા પંખીજગતમાં ખળભળાટ મચી ગયો. રિપોર્ટમાં લખ્યું હતું કે ‘ફૅક્ટરીઓમાં પેદા થતો બધો જ ઝેરી કચરો નદીના પાણીમાં ઠાલવવામાં આવ્યો હતો, વૃક્ષને રાસાયણિક ખાતરથી જ મોટું કરવામાં આવ્યું હતું અને હવાખાવાના સ્થળની હવામાં સિગરેટના ધુમાડાઓનું બેહદ પ્રમાણ હતું. માનવસર્જિત આ પ્રદૂષણના કારણે જ પંખીઓનાં મોત થયાં છે. તમામ પંખીઓને જાણ કરવામાં આવે છે કે માનવસર્જિત વાતાવરણથી દૂર જ રહે.