________________
હજારો અને લાખો તીડો આજે વિરાટ વડલા પર રહેલા ગરુડરાજના નિવાસસ્થાન તરફ આવવા પોતપોતાના સ્થાનેથી નીકળી ગયા હતા. રસ્તામાં જે પણ પંખીઓ મળ્યા - કાબર ને તેતર, કોયલ ને કબૂતર, કાગડો ને ચકલી - સમયસર વડલા પાસે આવી ગયા પછી લાખો તીડો વતી ૫૦ તીડો ગરુડરાજ પાસે ગયા અને એમના હાથમાં આવેદનપત્ર પકડાવી દીધું. જેમાં લખ્યું હતું કે ‘અમે માત્ર અમારું પેટ ભરવા ખેતરમાં વાવેલા અનાજના દાણા ખાઈએ છીએ અને આ માણસજાત દવાઓ છાંટી છાંટીને અમને ખતમ કરી નાખવાના પ્રયાસો કરે છે જ્યારે આ માણસજાત પોતે જમીનના ટુકડાના લોભે અથવા તો શસ્ત્રોના બજારને ગરમ રાખવાની દુષ્ટ ગણતરીએ હજારો-લાખો માનવીઓને બૉમ્બવર્ષા કરીને ખતમ કરી રહી છે છતાં એને કોઈ પૂછનાર નથી. આપના તરફથી અમને જો લીલી ઝંડી મળી જાય તો અમે શસ્ત્રોનાં તમામ કારખાનાંઓમાં ઘૂસી જઈને બૉમ્બ વગેરે તમામ શસ્ત્રોને નકામાં બનાવી દેવા માગીએ છીએ. માણસજાતની ખોપરી કદાચ ઠેકાણે આવી જાય.