________________
૧૬
સંસારી માણસ રડતો હોય, દુઃખી હોય, ઉદ્વિગ્ન હોય એ તો સમજાય છે પરંતુ પ્રભુનો ભક્ત પણ જો રડતો જ હોય, દુઃખી અને ઉદ્વિગ્ન જ હોય તો પછી હાસ્ય કોના મોઢા પર જોવા મળવાનું?
ચિંતન, સંસારી માણસ હસતો પણ હોય ને, તો ય એના હાસ્યનું કોઈ મૂલ્ય નથી કારણ કે જે સામગ્રીના કારણે, જે સંયોગના કારણે કે જે સંબંધના કારણે એના મુખ પર હાસ્ય ફરકતું જોવા મળે છે એ સામગ્રી, એ સંયોગ અને એ સંબંધ તો તકલાદી છે, કેળના તાર કરતાં પાતળા એવા પુણ્યના પાયા પર એ ઊભા થયા છે. જ્યાં એ પાયો હલ્યો, એ તમામ સામગ્રી, સંયોગ અને સંબંધમાં કડાકો બોલાયો જ સમજો અને એ પાયો હલવાનું નિશ્ચિત્ત જ છે. પ્રશ્ન માત્ર સમયનો છે.
પણ સબૂર !
પ્રભુભક્ત જો રડતો દેખાતો હોય, દુઃખી અને ઉદ્વિગ્ન જણાતો હોય તો એટલું જ કહીશ તને કે આ જગતમાં વખાણવા જેવું સુખ જો કોઈનું ય હોય તો એ માત્ર સંયમીનું જ છે તો આ જગતમાં વંદન કરવા જેવું દુઃખ જો કોઈનું ય હોય તો એ માત્ર પ્રભુભક્તનું જ છે.
કારણ?
આ જ કે ભક્તના દુ:ખના કેન્દ્રમાં પ્રભુવિરહની વ્યથા હોય છે, પ્રભુમિલનની પ્યાસ હોય છે. આ વ્યથા અને આ પ્યાસ અને પ્રભુ સાથે મિલન કરાવીને જ રહેતા હોય છે. અરે, એને ખુદને સમય જતા પરમાત્મા બનાવીને જ રહેતા હોય છે.
શું કહું તને?
૩૧