________________
મારા કરતાં ય વધુ લુચ્ચા-લબાડ-લફંગા-નીચ અને પાપી માણસ પાસે, મારા કરતાં ય વધુ સુખ-સુવિધા અને સંપત્તિ જોવા મળે છે ત્યારે મને એમ થઈ જાય છે કે શું કુદરતમાં આવું અંધેર જ ચાલતું
હશે?
દર્શન, તારા પ્રશ્નનો પ્રત્યુત્તર તો પછી આપું છું પણ એ પહેલાં મારે તને એક પ્રશ્ન પૂછવો છે એનો જવાબ તું આપીશ ?
તારા કરતાં વધુ પાપી, તારા કરતાં વધુ સુખી કેમ? એની તને વેદના છે ને? જવાબ આપ, તારા કરતાં વધુ ધર્મી, તારા કરતાં વધુ દુઃખી કેમ? એનો તારી પાસે કોઈ જવાબ છે ખરો?
અવારનવાર હોટલોમાં જનારો તું તો બંગલામાં રહે છે ને? જંગી તપશ્ચર્યા કરનારને ભાડાના મકાનમાં રહેતા તે જોયા તો છે ને?
પત્ની સાથે બહાર ફરવા જતા રહીને તું જલસાઓ કરતો રહે છે ને? જિંદગીભર બ્રહ્મચર્યપાલનની પ્રતિજ્ઞા લઈ ચૂકેલા દંપતી આજે ય કષ્ટમય જિંદગી જીવી રહ્યા છે એનો તને ખ્યાલ તો છે ને?
ચાલાકી કરતા રહીને ધંધાના ક્ષેત્રે તું લાખો રૂપિયાનો માલિક બની ચૂક્યો છે ને ? નીતિમત્તાને પકડી રાખવાના લક્ષ્ય સાથે જીવન જીવી રહેલ નીતિમાન માણસ આજે બે ટંકના રોટલા ભેગો માંડ માંડ પહોંચી રહ્યો છે એનો તને ખ્યાલ તો છે ને?
સમય મળે તો જ પરમાત્માનાં દર્શન તું કરે છે ને? રોજ પ્રભુનાં મંદિરમાં જઈને બબ્બે કલાક સુધી પ્રભુનાં દર્શન-વંદન અને પૂજન કરનાર પ્રભુભક્તને આજે સમાજમાં કોઈ ઓળખતું ન હોય એવું પણ દેખાય જ છે ને ?