________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૭૭ ઘડીકમાં ઘરડા ડોસાની જેમ વળી જાઓ! ખરું ને? કેમ આમ? શરીરની દુર્બલતા! જે તે ખાઈને, જે તે પીને, જ્યાં ત્યાં ભટકીને અને વૈષયિક સુખોમાં આળોટીને શરીર કમજોર... વીર્યહીન કરી દીધું! આવા શરીરથી ધ્યાન ન
ધરી શકાય.
આસનના લક્ષ સાથે “મુદ્રાનું પણ લક્ષ જોઈએ. “મુદ્રામાં મસ્તક, દષ્ટિ અને હાથ કેવી રીતે રાખવા ધ્યાન ધરતી વખતે, એ વિચારવાનું છે. હાથમાં માળા કેમ પકડવાની તે આવડે છે? ગમે તેમ? ચાર આંગળી પર માળા રાખવાની અને અંગૂઠાથી માળાના મણકા ફેરવવાના. જમણા હાથમાં માળા રહેવી જોઈએ. બીજી પદ્ધતિ પણ છે-અંગૂઠા પર માળા રાખવાની અને તર્જની આંગળીથી મણકા ફેરવવાના. ડાબો હાથ ઢીંચણ પર રહેવો જોઈએ.
માળા વગર જાપ કરવું હોય તો પણ કરી શકાય. ઊભા ઊભા જાપ કરી શકાય અને બેઠા બેઠા પણ જાપ કરી શકાય.
ઊભા ઊભા ધ્યાન ધરવું હોય તો બરાબર બે પગ સીધા રાખો, વાંકાચૂકા નહીં, બે પગના આગળના ભાગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખવું, પાછળ ચાર આંગળ કરતાં ઓછું અંતર રાખવું. ઘૂંટણ સુધી બન્ને હાથ ઢીલા લટકતા રાખવા, દૃષ્ટિ-નજર નાકના ટેરવા પર રાખવી. એકદમ ટટ્ટાર ઊભા રહેવાનું. આગળ પાછળ વળી પણ જવાનું નહિ, પાછળ પણ ઝૂકવાનું નહીં. કાઉસ્સગ્ન કરો છો ને પ્રતિક્રમણમાં? એક પગ ટટ્ટાર અને બીજો ઢીલો! એક પગ આગળ અને બીજો પાછળ! કોઈનું માથું નીચું તો કોઈનું આકાશ તરફ! છે ઢંગધડા? ધ્યાન ધરવાની વાત તો પછી. ધ્યાન માટે ઊભા રહેતાં તો શીખો. આસન અને મુદ્રાનું જ્ઞાન જોઈએ જ. આ તો થઈ આસન અને મુદ્રાની વાત.
હવે મનથી તમારે શું કરવાનું છે, તે સમજો.
હૃદયને કમળ બનાવો. સરસ ખીલેલું કમળ! આઠ પાંખડીઓવાળું! વચમાં કર્ણિકામાં અરિહંતની સ્થાપના કરો. આઠ પાંખડીઓ પર બીજાં આઠ પદોની સ્થાપના કરો, પછી જે પદનું ધ્યાન ધરવું હોય તે પદ પર દૃષ્ટિ સ્થિર કરો.
આસન, મુદ્રા વ્યવસ્થિત હોય, તન અને મન સ્વસ્થ હોય, તો સુંદર ખીલેલા કમળની કલ્પના કરી શકાશે. મન ઉપર વાસના અને વિકલ્પના ભાર હશે તો સુંદર કલ્પના થઈ શકશે નહિ, ઉત્તમમાં ઉત્તમ કલ્પના કરનારું મન ઉત્તમ જોઈએ! મનને કમળ પર એકાગ્ર કરવું. પછી જે પદનું ધ્યાન ધરવાનું હોય તે પદ પર દૃષ્ટિ એકાગ્ર કરવી.
For Private And Personal Use Only