________________
વેપાર કરવામાં પૈસાની જરૂર પડે એ તો સમજાય છે. પૈસા ન હોય તો હૉટલમાં જઈ શકાતું નથી એ પણ સમજાય છે. ફર્નિચર ખરીદવા ખીસામાં પૈસા હોવા જરૂરી છે એ વાત પણ એટલી જ જરૂરી છે. બીમારી આવે ત્યારે ઈલાજ કરાવવા માટે પૈસા જોઈએ જ એ વાત પણ સમજાય છે; પરંતુ આજે સંબંધ બાંધતા પહેલાં લાગણી કે સ્નેહ નહીં પણ પૈસા જ જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૮પ
મર્સિડીસ વિના ચલાવી લેતા શ્રીમંતને જોઈને એટલું આશ્ચર્ય નથી થતું, બંગલા વિના ચલાવી લેતા શ્રીમંતને જોઈને ય એટલા સ્તબ્ધ નથી થઈ જવાતું. ભોજનમાં મિષ્ટાન્ન કે ફરસાણ વિના ચલાવી લેતા શ્રીમંતને જોઈને ય એટલું વિસ્મય નથી થતું. અપ-ટુ-ડેટ કપડાં વિના બહાર ફરી રહેલા શ્રીમંતને જોઈને ય એટલી નવાઈ નથી લાગતી પરંતુ સ્મિત વિના જીવન જીવી રહેલ શ્રીમંત જ્યારે જોવામાં આવે છે ત્યારે તો સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
ક્રિકેટની રમતમાં અમ્પાયર તો હોવો જ જોઈએ એવું સ્વીકારવા માણસ તૈયાર છે. કુસ્તીની રમતમાં રેફરી હોવો જ જોઈએ એવું માણસ માનવા તૈયાર છે. હાઈકોર્ટમાં ન્યાયાધીશની ઉપસ્થિતિ હોવાનું પણ માણસ સ્વીકારે છે. સરકારમાં રાષ્ટ્રપતિના અસ્તિત્વને સ્વીકારવામાં પણ માણસને કોઈ જ તકલીફ નથી; પરંતુ ધંધાના ક્ષેત્રમાં જ્યારે માણસ કોઈ પણ પ્રકારના નીતિ-નિયમ કે શિષ્ટ પુરુષના અસ્તિત્વને સ્વીકારવાનો ઈનકાર કરી બેસે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.