________________
મુસાફરી બળદગાડામાં નહીં, સાઈકલ કે સ્કૂટર પર નહીં, ગાડીમાં કે ટ્રેનમાં ય નહીં પણ વિમાનમાં જ કરવાની વાત અને પછી બધે કહેતા ફરવાનું કે ‘મને જમીન પર રહેલાં વૃક્ષો કે મકાનો દેખાતાં નથી” બાલિશતા જ લાગે ને? પણ પૈસા પાછળ રૉકેટની ગતિથી ભાગી રહેલ માણસ જ્યારે બધાને એમ કહેતો ફરે છે કે મને મારા દીકરા પાસે પણ બેસવાનો સમય મળતો નથી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
હૉસ્પિટલમાં દાખલ થઈને ઑપરેશન કરાવી ઘરે આવનાર માણસના ચહેરા પર આનંદ જરૂર હોય છે પણ એના મનમાં કાંઈ એવો અહંકાર નથી હોતો કે “આપણે હૉસ્પિટલમાં જઈને ઑપરેશન કરાવી આવ્યા !' પણ સાધના કરતા રહીને કર્મોનો, સંસ્કારોનો અને દોષોનો ખાત્મો બોલાવી રહેલા સાધકના ચહેરા પર આનંદ દેખાવાના બદલે એના મનમાં જ્યારે અહંકાર સળવળતો જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
તૃષા પાણીથી જ છિપાય છે, પેટ્રોલથી નહીં. મંજિલ ચાલવાથી જ આવે છે, બેસી રહેવાથી નહીં. ગળપણનો અનુભવ સાકરથી જ થાય છે, લીમડાથી નહીં. ઠંડક પવનથી જ અનુભવાય છે, અગ્નિથી નહીં. આ તમામ પ્રકારની જાણકારી ધરાવતો માણસ “સુખ ધર્મથી જ મળે છે, પાપથી નહીં' આ જાણકારી ધરાવવાના ક્ષેત્રે જ્યારે કંગાળ હોવાનું જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
|
૬૦