________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય એના માનસપટ પર સાધ્વી સુવ્રતા પ્રગટ થયાં. એમની કરુણાભીની આંખો દેખાઈ... તેમના મુખમાંથી શબ્દો સર્યા: “સુંદરી, જીવનમાં માત્ર સુખોની જ કલ્પના ન કરીશ. દુઃખોની પણ કલ્પનાઓ કરજે. એ દુઃખોમાં બૈર્યને ધારણ કરજે. જીવનમાં પોતાનાં જ બાંધેલાં પાપકર્મોના ઉદયથી દુઃખ આવે છે... સમતાથી દુઃખોને સહેજે... શ્રી નવકારમંત્રના જાપથી અને પંચપરમેષ્ઠિ ભગવંતોના ધ્યાનથી તારો સમતાભાવ અખંડ રહેશે.. દુઃખો નાશ પામશે.. સુખનો સાગર ઊભરાશે... અને તારી જીવનનૌકા ભવસાગરને તીરે પહોંચશે..'
સુરસુંદરીનું હૃદય ગદ્ગદ્ થઈ ગયું... સાધ્વીજીને એણે ભાવ-વંદના કરી. એમનું શરણ સ્વીકાર્યું.
સૂર્ય અસ્ત થયો. દ્વીપ પર અંધારું ઊતરી આવ્યું. સાગરના ઘુઘવાટા સંભળાવા લાગ્યાં.
સુરસુંદરી કિનારા પર સ્વચ્છ રેતી પર બેસી ગઈ. તેણે પદ્માસન લગાવ્યું. દષ્ટિને નાસાગ્ર પર સ્થિર કરી.. અને શ્રી નવકારમંત્રનો જાપ શરૂ કર્યો.
એ જાણતી હતી કે મન જ્યારે અસ્વસ્થ અને અશાંત હોય ત્યારે જાપ માનસિક નહીં પરંતુ વાચિક કરવો જોઈએ. મૃદુ અને મધ્યમ સૂરમાં એણે મહામંત્ર નવકારનું ઉચ્ચારણ કરવા માંડ્યું.
દેહ સ્થિર હતો, મન લીન હતું. મહામંત્રના ઉચ્ચારણની સાથે સાથે મંત્રદેવતાઓએ એની આસપાસ આભાંમડલ રચી દીધું. એના મસ્તકની આસપાસ તેજવર્તુલ રચાઈ ગયું અને એના હૃદયમાં પરમેષ્ઠિ ભગવંતોનું અવતરણ થયું.
એ વખતે સુરસુંદરીની સામે અંધકારમાંથી એક આકૃતિ પ્રગટ થવા લાગી. નરી ક્રૂરતા અને ભયાનકતાની એ આકૃતિ હતી. એ આકૃતિની બિહામણી આંખો સુરસુંદરી પર સ્થિર ન થઈ શકી... આંખો અંજાઈ જવા લાગી.
એ આકૃતિ હતી યક્ષની, માનવભક્ષી યક્ષની! મહામંત્ર નવકારનો ધ્વનિ એના કાને પડ્યો... એ દિવ્ય ધ્વનિમાં યક્ષની ક્રૂરતા ગળવા લાગી.
તે આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયો... “કોણ હશે આ સુંદરી?” એના મનમાં પ્રશ્ન ઊઠ્યો. તેણે નજીક જવાની ઇચ્છા કરી.. પણ ન જઈ શક્યો. સુરસુંદરીનું તેજ એના માટે અસહ્ય બની ગયું હતું. એ ઊભો જ રહ્યો.
For Private And Personal Use Only