________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય ખડખડાટ હસી પડશે. ને મારી સામે આવીને ઊભા રહેશે. કહેશે: “સુંદરી, તું કેટલું બધું ઊંઘી ગઈ?”
સંપૂર્ણ વન-નિકુંજમાં સુરસુંદરીએ અમરકુમારને શોધ્યો... જ્યારે અમરકુમાર ન મળ્યો, એનો અણસાર પણ ન મળ્યો... ત્યારે સુરસુંદરી ગભરાઈ. તેણે બૂમ પાડી: નાથ, તમે ક્યાં છો? સ્વામીનાથ... તમે મારી પાસે આવો... મને ભય લાગે છે.'
કોઈ પ્રત્યુત્તર મળતો નથી. કોઈ પગરવ સંભળાતો નથી.
સુરસુંદરી બાવરી બનીને વૃક્ષઘટામાં દોડવા લાગી. આસપાસ નજર દોડાવવા લાગી. ઘટામાંથી બહાર નીકળી ચારે બાજુ જોવા લાગી.. ક્યાંય અમરકુમાર ન દેખાયો.
સુરસુંદરી એ જ વૃક્ષ નીચે આવીને ઊભી રહી ગઈ. તેની આંખો આંસુથી ઊભરાવા લાગી. તેની છાતી ધધ ધધક થવા લાગી.
“મારા નાથ, તમે ક્યાં ગયા? મને અહીં ઊંઘતી મૂકીને તમે ક્યાં ગયા? હવે મારી ધીરતા ખૂટી ગઈ છે... મને ગભરાવો નહીં... જ્યાં હોવ ત્યાંથી આવી જાઓ... પ્રગટ થાઓ... મારા દેવ!” તેના પગ ધ્રૂજવા લાગ્યા. તે જમીન પર બેસી ગઈ.
આવા ભયભરેલા દ્વીપ પર પત્નીને એકલી ન મુકાય. આવો ઉપહાસ પણ ન કરાય... તમે મારું જીવન છો... મારા પ્રાણાધાર છો... જલદી આવો... અને મને તમારા ઉત્સંગમાં લઈ ... નહીંતર હું જીવી નહીં શકું. શું મારા રુદનના પડઘા તમારા હૃદયમંદિરમાં નથી પડતા? શું મારા રુદનથી પણ તમારું હૈયું ભીનું નથી થતું? આવો નાથ. મને તમારામાં સમાવી લો..'
સુરસુંદરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
આંસુથી ખરડાયેલા મુખથી સાફ કરવા તેણે સાડીનો છેડો હાથમાં લીધો... ને તે ચમકી.
સાડીનો એ છેડો ભારે હતો. ગાંઠ મારેલી હતી. તરત જ સુરસુંદરીએ એ ગાંઠ ખોલી. સાત કોડી જમીન પર વેરાઈને પડી. ત્યાં જ એની દૃષ્ટિ એ છેડા પર લખેલા શબ્દો પર પડી..
સાત કોડીથી રાજ લેજે...'
For Private And Personal Use Only