________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૫૩ ભવ્ય અને વિશાળ હવેલીમાં અમરકુમાર અને સુરસુંદરી માટે સુશોભિત અને કલાત્મક ખંડ તૈયાર કરવામાં આવ્યા. શ્રેષ્ઠ કલાકૃતિઓથી એ ખંડોને શણગારવામાં આવ્યા. રાજકુમારીને પોતાના પિતૃગૃહ કરતાં પણ અધિક પ્રિય લાગે એ રીતે સજાવટ કરવામાં આવી. -
ધનાવહ શ્રેષ્ઠીએ સુરસુંદરી માટે, રાજ્યના ઉત્તમ સોનીઓને હવેલીમાં નિમંત્રીને આભૂષણો ઘડાવ્યાં. હીરા-મોતી અને પન્નાનાં કીમતી નંગ સોનાનાં આભૂષણોમાં જડાવ્યાં. અમરકુમાર માટે પણ એના મનપસંદ અલંકારો તૈયાર કરાવ્યા.
રાજમહેલ અને હવેલીમાં આમંત્રિત મહેમાનો આવવા લાગ્યા. લગ્નનો દિવસ નિકટ આવી પહોંચ્યો. લગ્નની બધી રીત-રસમો પૂરી થવા લાગી.
શુભ દિવસે, શુભ મુહૂર્ત આનંદોત્સવ સાથે અમરકુમાર અને સુરસુંદરીનાં લગ્ન થઈ ગયાં.
સુરસુંદરીને આંસુઝરતી આંખે, રાજા-રાણીએ વિદાય આપી... રતિસુંદરીએ ગદ્ગદ્ સ્વરે કહ્યું: ‘બેટી, પતિની છાયા બનીને રહેજે...”
સુરસુંદરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. અમરકુમારની સાથે રથમાં બેઠી અને શ્વસુરગૃહે વિદાય થઈ... અમરકુમારે પોતાના વસ્ત્રાંચલથી સુરસુંદરીનાં આંસુ લૂછુયાં, સુરસુંદરીએ અમરકુમાર સામે આંખો માંડી.. અમરની આંખો પણ ભીની હતી... સુરસુંદરીનું દુ:ખ... એનાં આંસુ, જાણે અમરનું દુઃખ, અમરનાં આંસુ બની ગયાં હતાં.
રથ હવેલીના દ્વારે આવીને ઊભો. દંપતી રથમાંથી ઊતર્યા. શેઠાણી ધનવતીએ બંનેને વિધિવતુ હવેલીમાં પ્રવેશ કરાવ્યો. બંનેએ ધનવતીનાં ચરણોમાં પ્રણામ કર્યા, ધનવતીએ હૈયાનાં હેત ઠાલવ્યાં. અમરે ધનાવહ શેઠનાં ચરણોમાં પ્રણામ કર્યા. સુંદરીએ દૂરથી પ્રણામ કર્યા. શેઠે બંનેને અંતરના અમીથી સીંચ્યાં,
અમરકુમાર અને સુરસુંદરી! બાલ્યકાળનાં સહપાઠી આજે પતિ-પત્ની બની ગયાં. સહયાત્રી બની ગયાં... સહજીવન જીવનારા બની ગયાં. - અમરકુમારમાં જો પરાક્રમનું તેજ હતું તો સુરસુંદરીમાં નમ્રતાની શીતળતા હતી. અમરકુમાર જો પુરુષત્વનો પુંજ હતો તો સુરસુંદરી સમર્પણની મૂર્તિ હતી. અમરકુમાર જો ધોધમાર વરસાદ હતો તો સુરસુંદરી શુભ્ર ફલદા ધરિત્રી હતી.
For Private And Personal Use Only