________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
પ્રીત કિયે દુઃખ હોય
સુરસુંદરી સમસ્યાપૂર્તિ કરે છે: “તે શબ્દ છે સુખડી! પહેલો અક્ષર બાદ કરતાં “ખડી' શબ્દ બને છે. તે સફેદ પૃથ્વીકાય છે. બીજો અક્ષર બાદ કરવાથી “સુડી” શબ્દ થાય છે, તે એક જાતની પંખિણીનું નામ છે. ત્રીજો અક્ષર બાદ કરતાં ‘સુખ' શબ્દ બને છે, તેને સહુ કોઈ ઇચ્છે છે!” સભા આનંદથી ઝૂમી ઊઠી. અમરકુમારે ત્રીજી સમસ્યા પૂછી:
ચાર અક્ષરનો એક એવો શબ્દ છે કે જે શબ્દનો પહેલો અક્ષર બાદ કરતાં જે શબ્દ બને તે પેટના શલ્યને સૂચવે છે. બીજો અક્ષર બાદ કરતાં જે શબ્દ બને તે બોલવા જેવો નથી. ત્રીજો અક્ષર બાદ કરતાં જે શબ્દ બને તેવા રહેવું એ કોઈના માટે સારું નથી. ચોથો અક્ષર બાદ કરતાં જે શબ્દ બને તેના જેવી આચાર્યદેવની વાણી હોય છે. અને આખો શબ્દ જે જણાવે છે તેને જપવાથી પાપોનો નાશ થાય છે, અને એ જિનશાસનનો સાર છે!” સુરસુંદરીએ પળનોય વિલબ કર્યા વિના કહ્યું: એ ચાર અક્ષરનો શબ્દ છે નવકાર! ન-વિનાનો શબ્દ રહે વકાર. તેનો અર્થ વિકાર અથવા ચૂંક થાય. તે પેટનું શલ્ય છે. વ-વિનાનો શબ્દ બને નકાર! આ શબ્દ કોઈને પણ સારા કામમાં કહેવા જેવો નથી. કા-વિનાનો શબ્દ રહે નવર. આ શબ્દ નવરાપણું જણાવે છે. કોઈ માણસ નવરો રહે તે સારું નથી. રવિનાનો શબ્દ બને નવકા. આનો અર્થ થાય નૌકા, આચાર્યદેવની વાણી સંસારસાગરમાં ડૂબતા જીવોને તારવા માટે નૌકા સમાન હોય છે. આ નવકારમંત્ર જિનશાસનનો સાર છે!
ત્રણેય સમસ્યાઓના તદ્દન સાચા ઉકેલ સુરસુંદરીએ આપ્યા. રાજારાણી અને સહુ સભાજનોએ સુરસુંદરીને લાખ લાખ ધન્યવાદ આપ્યા.
હવે સુરસુંદરીએ સમસ્યા પૂછવાનો પ્રારંભ કર્યો. “ત્રણ અક્ષરનો એક શબ્દ છે. પહેલો અક્ષર જતાં જે શબ્દ બને તેને હૃદયમાંથી દૂર કરી દેહને પવિત્ર બનાવવો જોઈએ. બીજો અક્ષર જતાં જે શબ્દ બને તે બળથી પણ અધિક છે અને તેનાથી સહુ કોઈને જીતી શકાય છે. ત્રીજો અક્ષર જતાં જે શબ્દ બને તે પોતપોતાનું હોય તો સૌને વહાલું છે! અને ત્રણ અક્ષરોથી બનતો સંપૂર્ણ શબ્દ તમારા મુખની ઉપમાને યોગ્ય છે!”
For Private And Personal Use Only