________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ꮽ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંગ દેશની રાજધાની ચંપાનગરી હતી. ચંપા સુંદર અને સમૃદ્ધ નગરી હતી.
રાજા રિપુમર્દને ચંપાનગરીને સજાવી હતી. ચંપાની પ્રજામાં શિક્ષણ અને સંસ્કારો સીંચ્યા હતા. રાજા સ્વયં આર્હત્ ધર્મનો ઉપાસક હતો. પરંતુ અન્ય ધર્મો પ્રત્યે સહિષ્ણુ હતો. રાજામાં ન્યાયનિષ્ઠા હતી. પ્રજા પ્રત્યે વાત્સલ્ય હતું.
આજે રાજા રિપુમર્દનની રાજસભા નગરજનોથી ભરચક હતી કારણ કે આજે રાજકુમારી સુરસુંદરી અને શ્રેષ્ઠીપુત્ર અમરકુમારના બુદ્ધિકૌશલની પરીક્ષા હતી
રાજસિંહાસન પર મહારાજા રિપુમર્દન આરૂઢ થયા હતા. તેમની પાસેના જ આસન પર શ્રેષ્ઠીવર્ય ધનાવહ સુંદર વસ્ત્રો અને મૂલ્યવાન અલંકારો પહેરીને બેઠા હતા. મહારાજાની બીજી બાજુ પંડિત શ્રી સુબુદ્ધિ બિરાજમાન હતા,
સુરસુંદરીએ શ્રેષ્ઠ વસ્ત્રોનું પરિધાન કર્યું હતું. કંઠમાં હાર, કાનોમાં કુંડલ, બે કરમાં મોતીનાં કંગન અને પગમાં નૂપુર ધારણ કર્યાં હતાં. આંખોમાં અંજન હતું અને હોઠ તાંબૂલથી લાલ હતા... હજારો નયનો એની દેહયષ્ટિ પર મંડાયેલાં હતાં.
અમરકુમારે પણ પોતાના વૈભવને અનુરૂપ વસ્ત્રાલંકારો ધારણ કર્યાં હતાં. તેનો દેહ સુદૃઢ હતો. તેની કાન્તિ દેદીપ્યમાન હતી. તેની આંખોમાં ચમક હતી. તેના લલાટે તેજનો અંબાર હતો.
રાજસભામાં પ્રારંભ સરસ્વતીની પ્રાર્થનાથી થયો.
રાજા રિપુમર્દને રાજસભાને ઉદ્દેશીને નિવેદન કર્યું.
‘વહાલા સભાસદો અને નગરજનો, આજનો આ પ્રસંગ આપણા સહુ માટે આનંદનો પ્રસંગ છે, આજે કુમારી સુરસુંદરીનાં બુદ્ધિકૌશલની અને શ્રેષ્ઠીશ્રી ધનાવહના નંદન અમરકુમારના બુદ્ધિવૈભવની પરીક્ષા થશે. આ બંનેએ મહાપંડિત શ્રી સુબુદ્ધિની પાઠશાળામાં અધ્યયન કરેલું છે. વિવિધ કળાઓમાં બંને પારંગત થયાં છે. અનેક વિષયોમાં શ્રેષ્ઠ અધ્યયન કર્યું છે અને આર્તધર્મના સિદ્ધાન્તોનું પણ સુંદર જ્ઞાન પ્રાપ્ત કરેલું છે.’
For Private And Personal Use Only