________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર
પ્રીત કિયે દુઃખ હોય
‘આ વિશ્વમાં બે તત્ત્વો રહેલાં છેઃ જીવ અને જડ. જીવો અનંત છે તેમ જડ દ્રવ્યો પણ અનંત છે. દરેક દ્રવ્યમાં અનેક ગુણો અને અનેક પર્યાયો રહેલા હોય છે. એટલે, દ્રવ્યની પરિભાષા જ `મુળ-પર્યાયવવું દ્રવ્યમ્ એવી કરવામાં આવી છે. ગુણ-પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય જ ન હોય!
‘ગુરુદેવ, ગુણ અને પર્યાય વચ્ચેનો ભેદ શો હોય છે?' સુરસુંદરીએ પૂછ્યું.
‘ગુણો દ્રવ્યના સહભાવી હોય, પર્યાય ક્રમભાવી હોય! ગુણો દ્રવ્યમાં રહેલા જ હોય છે, જ્યારે પર્યાયમાં ઉત્પત્તિ અને વિનાશનો ક્રમ ચાલ્યા કરે છે. આ રીતે દરેક દ્રવ્ય અનંત ધર્માત્મક હોય છે. વિરોધી દેખાતા પર્યાયો... ગુણો પણ એક જ દ્રવ્યમાં હોય છે. જોકે તેની અપેક્ષાઓ સમજાઈ જાય તો વિરોધ નથી રહેતો! જુઓ, એક દૃષ્ટાંત આપીને તમને આ વાત સમજાવું’
એક પુરુષ છે. તેને એક યુવાન આવીને ‘પિતાજી’ કહે છે. બીજો યુવાન આવીને ‘કાકા' કહે છે, ત્રીજો યુવાન આવીને ‘મામા' કહે છે. એક સ્ત્રી આવીને ‘સ્વામી’ કહે છે. એક વૃદ્ધ પુરુષ આવીને એને ‘પુત્ર' કહે છે!
પુરુષ તો એક જ છે... તેનામાં પિતૃત્વ જેમ છે તેમ પુત્રત્વ પણ છે! એનામાં કાકાપણું છે અને સ્વામીપણું પણ છે! સંસારના વ્યવહારે આ વાસ્તવિકતાને સ્વીકારી છે, એટલે કોઈ વિરોધ નથી કરતું કે ‘ના, આ તો પિતા જ છે, પુત્ર નથી!’ પુત્ર સમજે છે કે મારી અપેક્ષાએ આ મારા પિતા છે, પરંતુ એમના પિતાની અપેક્ષાએ એ પુત્ર છે! પત્ની સમજે છે કે આ મારી અપેક્ષાએ પતિ છે, પરંતુ પુત્રની અપેક્ષાએ પિતા છે! એટલે એક જ વ્યક્તિને લઈને પત્ની અને પુત્ર ઝઘડતાં નથી. એક-બીજાનું દૃષ્ટિબિંદુ સમજે છે અને માન્ય રાખે છે...
અપેક્ષાઓ સાચી હોવી જોઈએ. પત્ની જો પોતાના પતિને ‘પિતા' કહે તો ખોટું! પુત્ર જો પોતાના પિતાને ‘પતિ' કહે તો ખોટું!
એટલે, એમ ન કહી શકાય કે 'આ પુરુષ એકાંતે પિતા જ છે અથવા આ પુરુષ એકાંતે પુત્ર જ છે! હા, એમ કહી શકાય કે આ પુરુષ પિતા પણ છે, પુત્ર પણ છે, પતિ પણ છે! આનું નામ છે અનેકાન્તદૃષ્ટિ! આનું નામ છે અપેક્ષાવાદ!' આ તો તમને એક દુનિયાનું દૃષ્ટાંત આપીને સમજાવ્યું, હવે આત્મતત્ત્વને લઈને સમજાવું છું.
આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે!
હા, પરસ્પર વિરોધી દેખાતા ધર્મો-નિત્યત્વ અને અનિત્યત્વ એક આત્મામાં રહે છે!
For Private And Personal Use Only