________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
પ્રીત કિયે દુઃખ હોય
જરૂર નથી... છતાં માતા-પિતાનો અમાપ સ્નેહ છે... એટલે એમનાં મનનું સમાધાન કરવું જોઈએ.
O
બીજા દિવસે પ્રભાતે અમરકુમાર અને સુરસુંદરી ગુરુદેવનાં દર્શન-વંદન કરવા ગયાં. ત્યાં તેમણે ગુરુદેવની સમક્ષ કેટલાંક તેજસ્વી સ્ત્રી-પુરુષોને ધર્મોપદેશ સાંભળતાં જોયાં. એ બંને પણ ત્યાં બેસી ગયાં.
ઉપદેશ પૂર્ણ થયા પછી મુનિરાજે કહ્યું: ‘હે સુરસુંદરી, આ વિદ્યાધર સ્ત્રીપુરુષ છે. વૈતાઢ્ય પર્વત પરથી અહીં આવ્યાં છે... દર્શન-વંદનાર્થે.’
સુરસુંદરીએ તુરત જ ગુરૂદેવને કહ્યું: ‘હે પૂજ્યપાદ, શું આ વિદ્યાધર સ્ત્રીપુરુષો મારા પર એક કૃપા કરશે? સુસંગીત નગરના રાજા રત્નજટી કે જે મારા ધર્મભ્રાતા છે... તેમને મારો એક સંદેશો પહોંચાડશે?’
‘અવશ્ય મહાસતી, રાજા રત્નજટી અમારા મિત્ર રાજા છે...'
‘તો તેમને કહેજો કે તમારી ધર્મભગિની સુરસુંદરી એના પતિ અમ૨કુમાર સાથે થોડા જ દિવસોમાં સંયમધર્મ અંગીકાર કરવાની છે. તમને અને ચારેય ભાભીને તે ખૂબ યાદ કરે છે. તમારા ઉપકારોને-તમારા ગુણોને રોજ સંભાળે છે... તો તમે ચારેય ભાભીને લઈ દીક્ષાપ્રસંગે ચંપાનગરીએ અવશ્ય પધારજો... એમને કહેજો કે તમારી ભગિની તમારી પ્રતીક્ષા કરશે...' સુરસુંદરીની આંખો ભીની થઈ ગઈ... એનો કંઠ રુંધાઈ ગયો.
‘આપનો સંદેશો અમે આજે જ મહારાજા રત્નજટીને પહોંચાડી દઈશું અને આગ્રહ કરીને કહીશું કે તેઓ ચંપામાં તમને મળે!’
‘તો મારા પર તમારો મોટો ઉપકાર થશે.’ વિદ્યાધર યુગલો આકાશમાર્ગે ચાલ્યાં ગયાં.
અમરકુમાર-સુરસુંદરીએ ગુરુદેવને વંદન કરી, કુશળપૃચ્છા કરી અને વિનયપૂર્વક ગુરુદેવની સામે બેઠાં. સુરસુંદરીએ કહ્યું:
‘ગુરુદેવ, અમારા પૂજ્યો આપને વંદન કરવા રોજ આવશે. આપ તેઓને પ્રેરણા આપવા કૃપા કરશો... કે તેઓ અમને શીઘ્ર અનુમતિ આપે...'
‘ભદ્રે, તમે નિશ્ચિંત રહો... તમને અનુમતિ મળી જશે... અને તમે ધરે પહોંચશો ત્યાં ગુણમંજરી પણ પુત્રસહિત તમને મળી જશે!'
‘?’ બંને આનંદવિભોર થઈ ગયાં.
For Private And Personal Use Only