________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
પ્રીત કિયે દુઃખ હોય હતી. છતાં સંસારમાં સાહસ કરવું પડતું હોય છે. છેવટે સુખ-દુઃખનો આધાર તો જીવનમાં પોતાનાં જ શુભાશુભ કર્મો હોય છે ને?
અમરકુમાર અને સુરસુંદરી પોતાના મહેલમાં આવ્યાં. અમરકુમાર ઊંડા વિચારમાં પડી ગયો હતો. વસ્ત્રપરિવર્તન કરીને તે પશ્ચિમ દિશા તરફના ઝરૂખામાં જઈને ઊભો રહ્યો.
બહુ ગંભીર વિચારમાં પડી ગયા નાથ?' સુરસુંદરીએ પાછળ આવીને ખૂબ મૃદુ શબ્દોમાં પૂછ્યું. અમરકુમાર સુરસુંદરી સામે જોઈ રહ્યો.. “બોલો, જે મનમાં આવ્યું હોય તે બોલો!'
“તું ગુણમંજરી સાથે મારાં લગ્ન કરાવીને આ સંસારનો ત્યાગ કરવાનું તો નથી વિચારતી ને?' અમરકુમારની આંખો ભીની થઈ, સ્વર પણ ભીનો થયો.
ના, ના, એવી તો મને કલ્પના પણ નથી આવી! હજુ તમારો મોહ મને ક્યાં છૂટ્યો છે! આટલાં આટલાં દુઃખો જોયા પછી પણ વૈષયિક સુખોની ઇચ્છાઓ વિરામ નથી પામી... હા, ક્યારેક ક્યારેક વૈરાગ્ય જાગી જાય છે ખરો, પરંતુ એ ભાવ સ્થિર રહેતો નથી...'
આ નિર્ણય કરતાં તને ભય ન લાગ્યો?' ‘શાનો ભય?’ ગુણમંજરી સાથે લગ્ન કર્યા પછી કદાચ હું તને ભૂલી જાઉં...” સુરસુંદરી ખડખડાટ હસી પડી.
ગુણમંજરી ન હતી ત્યારે પણ ભૂલી ગયા હતા ને? ગુણમંજરી મને ભૂલવા દે એવી નથી! કારણ કે પહેલાં એ મને પરણેલી છે સમજ્યા?'
“એના પર એટલો બધો વિશ્વાસ છે તને?' “હા, એ કન્યા સાથે જ ગુણોની મંજરી છે! એનામાં ઉચ્ચ કોટિના સંસ્કારો છે. સ્ત્રી સુલભ ઈર્ષ્યા વગેરે દોષો નથી. પ્રેમના સાચા સ્વરૂપને એ જાણે છે. એની પ્રકૃતિ ઉદાર છે, એ આપણા સુખે સુખી અને આપણા દુઃખે દુઃખી થનારી સન્નારી છે.”
અમરકુમારના મુખ પર પ્રસન્નતાનો દીવો થયો. સુરસુંદરીએ દૂર ઊભેલી માલતીને જોઈ. માલતીએ સંકેતથી ભોજનવેળાની જાણ કરી. અમરકુમારને લઈને તે ભોજનગૃહમાં પહોંચી. અમરકુમારને ભોજન કરાવીને તેણે ભોજન કરી લીધું. માલતી સામે મધુરું સ્મિત કરીને તે અમરકુમાર પાસે ચાલી ગઈ.. માલતી આંખો નચાવતી સ્વગત બોલી: “જોડી તો ઇન્દ્ર-ઇન્દ્રાણી જેવી છે!”
For Private And Personal Use Only