________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુ:ખ હોય
૨૫૨
‘તમે કેવાં ભયંકર કષ્ટો સહ્યાં છે? પિતાજીએ બધી વાત કરી. તે સાંભળીને તો આભી જ થઈ ગઈ... અહો, નવકારમંત્રનો મહિમા અગમ-અપાર છે! તમારા સતીત્વનો પ્રભાવ અદ્ભુત છે... તમે મહાસતી છો...' ગુણમંજરી એકશ્વાસે બોલી ગઈ...
મહારાજાએ ગુણમંજરીને કહ્યું: ‘બેટી, તારાં લગ્ન અમરકુમાર સાથે કરવાનું મેં અને સુરસુંદરીએ વિચાર્યું છે... તને ગમશે ને?
ગુણમંજરી મૌન રહી. તે વિચારમાં પડી ગઈ.
‘પિતાજી, આ પ્રશ્નનો પ્રત્યુત્તર આવતી કાલે આપું તો?’
‘જેવી તારી ઇચ્છા, બેટી. તું જેમ રાજી રહે, સુખી રહે, તેમ મારે ક૨વાનું છે... મારે તો તું જ બેટી છે. ને તું જ પુત્ર છે...'
સુરસુંદરી વિચારમાં પડી ગઈ. ‘એણે પ્રત્યુત્તર કાલે આપવાનું કેમ કહ્યું?' તેણે કહ્યું:
‘પિતાજી, અમે બે થોડો સમય વાત કરી લઈએ...'
‘હા હા, તમે વિચાર કરી લો...' મહારાજા અને મહારાણી ત્યાંથી બીજા ખંડમાં ચાલ્યાં ગયાં.
ગુણમંજરી સુરસુંદરીના ઉત્સંગમાં માથું નાખીને રડી પડી. સુરસુંદરી એના માથે હાથ મૂકી. તેને પંપાળવા લાગી... થોડો સમય વીત્યો. સુરસુંદરીએ ગુણમંજરીના મસ્તકને બે હાથે પકડીને ઊંચું કર્યું.
‘શું વિચારે છે મંજરી? પિતાજીએ જે કહ્યું તે તને ન ગમ્યું?'
‘તમે મહાનૢ છો... બાર-બાર વર્ષથી પતિ-વિરહનું દુ:ખ સહન કરી રહ્યાં છો... હવે જ્યારે તેમનો સંયોગ થયો છે, ત્યારે તમારું સુખ મને આપી દેવા તૈયાર થયાં છો... ના, એ મારાથી નહીં બને... હા, હું તમને નહીં છોડું... ભલે તમારું રૂપ બદલાયું, તમારો આત્મા તો એ જ છે... પતિરૂપે નહીં. ભગિનીરૂપે તમારી સાથે રહીશ... તમારી સેવા કરીશ... રોજ તમારાં દર્શન કરીશ...*
મંજરી, હું ક્યાં મારું સુખ તને આપી દઉં છું? હું અમરકુમારને બાલ્યકાળથી જાણું છું. એ આપણને બંનેને સમાન દ્રષ્ટિએ જોશે. તારી સાથે લગ્ન થયા પછી મારો ત્યાગ નહીં કરે! અને, તને ખબર છે... તને સુખી જોઈને મારું સુખ તો ઘણું ઘણું વધી જવાનું! આપણે બંને સાથે જ રહીશું... તેં હજુ એમને જોયા નથી... તું જોઈશ ત્યારે મને ભૂલી ના જતી!'
For Private And Personal Use Only