________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૨૪૪
તેણે ધારીધારીને વિમલયશની મુખમુદ્રા જોઈ... એણે મનોમન નિર્ણય કર્યો કે ‘વિમલયશ ઊંધી ગયો છે.' તે પુનઃ પોતાની જગા પર બેસી ગયો... મનમાં કંઈક વિચાર્યું અને ઘીનું ભાજન મોઢે માંડ્યું!
એક ઘૂંટડો... બે ઘૂંટડા પીધા... ત્યાં જ વિમલયશ એકદમ ઊભો થઈ ગયો. ને અમરકુમારનો હાથ પકડી ત્રાડ પાડી
‘ચોર... હવે બોલ કે ‘હું ચોર નથી...’ આ ચોરી નથી કરતો તો શું કરી રહ્યો છે? હવે તારો અંતકાળ નજીક છે...’
અમરકુમા૨ હેબતાઈ ગયો... તત્કાલ બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો. વિમલયશે શીતળ પાણીનો છંટકાવ કર્યો. પંખાથી હવા નાંખી... અમરકુમારે આંખો ખોલી... ભયથી તેનું આખું શરીર ધ્રૂજતું હતું. તે બેઠો થયો... આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં.
‘તને બાલ્યકાળથી જ ચોરી કરવાની કુટેવ પડી લાગે છે... નહીં, તું કોણ છે? કયા નગરનો વાસી છે? કોણ છે તારાં માતા-પિતા? પરણેલો છે કે કુંવારો?’ અમરકુમારે પોતાનો પરિચય આપ્યો:
‘મહારાજા, હું ચંપાનગરીના ધનાવહ શ્રેષ્ઠીનો પુત્ર અમરકુમાર છું... રાજકુમારી અને હું -અમે બંને સાથે ભણતાં હતાં... એક દિવસ મેં એને પૂછ્યા વિના... એના વસ્ત્રના છેડે બાંધેલી સાત કોડી લઈને ઉજાણી કરી... તો એણે મને બહુ કટુ વચન સંભળાવ્યાં... મેં મૌનપણે સાંભળી લીધાં... પણ મારા મનમાં મેં ગાંઠ વાળી... પછી તો કર્મસંયોગે અમારાં બંનેનાં લગ્ન થયાં... અમે પરદેશ જવા નીકળ્યા... માર્ગમાં યક્ષદ્વીપ આવ્યો... ત્યાં મેં એને ઊંઘતી ત્યજી દીધી... એની સાડીના છેડે સાત કોડી બાંધીને મેં લખ્યું હતું: ‘સાત કોડીમાં રાજ લેજે!'
અરેરે... એ બિચારીનું શું થયું હશે? મને કેવી દુર્બુદ્ધિ સૂઝી? એ દ્વીપ પર કોઈ જ માણસ ન મળે... ને યક્ષ કેવો ક્રૂર?
‘તે શું તમને જરા પણ દયા ન આવી ત્યારે?' વિમલયશે પ્રશ્ન કર્યો. અને અમરકુમાર ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. રોતો-રોતો તે બોલ્યો:
‘મેં સ્ત્રી-હત્યાનું પાપ કર્યું... મેં વિશ્વાસઘાત કર્યો... હું મહાપાપી છું... એ મારાં પાપ આ જ ભવમાં અત્યારે ઉદયમાં આવ્યાં. મહારાજા, મને શૂળી પ૨ ચઢાવી ઘો... મારે જીવવું નથી...’
‘અમરકુમાર, તમારી એ પત્ની કેવી હતી વારું!'
For Private And Personal Use Only