________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
પ્રીત કિયે દુઃખ હોય વિમલયશ ગુણમંજરી પાસે ગયો. ગુણમંજરીએ ઊભા થઈને વિમલયશનું સ્વાગત કર્યું. તેણે વિમલયશને પ્રફુલ્લિત જોયો... તે શરમાઈ ગઈ. તે સમજી કે હવે પ્રતિજ્ઞા પૂર્ણ થવામાં માત્ર ત્રણ દિવસ બાકી છે... માટે વિમલયશ ખૂબ પ્રફુલ્લિત છે...” "દેવી, તમે ત્રણ દિવસ હવે પિતૃગૃહે રહો તો સારું.' કેમ એમ?” ગુણમંજરી આશ્ચર્ય પામી. “આ મન ચંચળ છે ને.. કદાચ કોઈ ભૂલ થઈ જાય તો? પ્રતિજ્ઞા પૂર્ણ થઈ જાય એટલે બસ...'
ગુણમંજરીના હૃદયમાં રોમાંચ થઈ આવ્યો. તેણે વિમલયશની આજ્ઞા વગર આનાકાનીએ માની લીધી. માલતીને યોગ્ય સૂચનાઓ આપીને ગુણમંજરી પિતૃગૃહે ચાલી ગઈ. વિમલયશ માટે હવે મેદાન સાફ થઈ ગયું!
અમરકુમારને પાઠ ભણાવવાની યોજના વિચારાઈ ગઈ... તેણે એક રાત જવા દીધી. એ અમરકુમાર પાસે ન ગયો. અમરકુમાર અધીરો બન્યો... ‘ક્યારે રાજા મને બોલાવશે? અહીં રહેવાની-જમવાની વગેરે સુવિધા તો બધી જ આપી છે... પણ એ તો શૂળીએ ચઢાવતાં પહેલાં અપરાધીને મનગમતું આપવાની પદ્ધતિ હોય છે.' એ ભયભીત બની ગયો. શરીરે પરસેવો વળી ગયો.
ના, ના, હું વિનમ્ર શબ્દોમાં પ્રાર્થના કરીશ. સત્ય હકીકત કહીશ... અવશ્ય મને મુક્તિ મળશે... રાજા એટલો નિર્દય તો નહીં હોય. નહીંતર તો અહીં આવતાં જ એ રોષથી ધમધમતો આવત... ને સજા સંભળાવી દેત.”
મારા વહાણોમાં ચોરીનો માલ આવ્યો કેવી રીતે? શું મારા માણસોએ ચોરી કરી હશે? કે કોઈ કુતૂહલી વ્યંતરે આ કામ કર્યું હશે? હા, આચાર્યદેવે મને વ્યંતરોની એવી વાર્તાઓ કહી હતી. માત્ર પજવવા માટે વ્યંતરો આવું કરતા હોય છે. બીજાઓને પજવવામાં કેટલાક માણસોને-દેવોને આનંદ આવતો હોય છે.
અને હા... સુરસુંદરીને યક્ષદ્વીપ પર ત્યજી દઈને મને પણ આનંદ આવ્યો હતો ને? અહો.... એ પતિવ્રતા સતી સ્ત્રીને મોતના મુખમાં ધકેલી દીધાનું ઘોર પાપ શું આજે ઉદયમાં આવ્યું? અમરકુમારને સુરસુંદરી યાદ આવી ગઈ.
૦ ૦ ૦
For Private And Personal Use Only