________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
પ્રીત કિયે દુખ હોય સૌ કિંકર્તવ્યમૂઢ બની ગયા. સૌની આંખો આંસુ ભીની થઈ ગઈ. કોઈ કંઈ બોલી શકતું નથી. સૌ નિરૂપાય... નિરાશ.. દીન બની ગયા. મહારાજાએ કહ્યું:
હું પ્રજાની રક્ષા કરવામાં નિષ્ફળ ગયો છું... પરિવારની રક્ષા કરવામાં નિષ્ફળ ગયો છું... ને પરદેશીને પણ બચાવી શક્યો નથી... મારું મન સંસારથી વિરક્ત થઈ ગયું છે. આ જીવનથી પણ વિરક્ત થઈ ગયો છું. મારે જીવવું જ નથી... પુત્રી વિના.. ને પરદેશી કુમાર વિના મારું જીવવું વ્યર્થ છે...
નગરની બહાર કાષ્ટની ચિતા પડકાવો. હું અગ્નિપ્રવેશ કરીશ... મને અગ્નિપ્રવેશ કરતાં કોઈ રોકી નહીં શકે... મારો નિર્ણય અફર છે.
મહારાણીએ ગગનભેદી ચીસ પાડી. જાણે આકાશમાંથી વીજળી પડી... રાજપરિવાર કમકમી ગયો... મંત્રીવર્ગ રડી પડ્યો. નગરશ્રેષ્ઠીઓએ પોક મૂકી રડવા માંડ્યું.
મહારાજાએ સહુને રડતાં મૂકી રાજમહેલનો ત્યાગ કર્યો. મહેલનાં પગથિયાં ઊતરી રાજમાર્ગ પર ચાલવા માંડ્યું. નગરમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ “ચોર વિમલયશનું અપહરણ કરી ગયો છે... ને મહારાજાએ અગ્નિપ્રવેશ કરી દેહોત્સર્ગ કરવાનો નિર્ણય કર્યો છે...'
પ્રજામાં હાહાકાર વર્તાઈ ગયો. હજારો પ્રજાજનો મહારાજાની પાછળ ચાલવા લાગ્યા. સૌ નિ:સ્તબ્ધ હતા, ઉદાસ હતા, ઉદ્વિગ્ન હતા. મહારાણીની આંખો રડી રડીને રાતીચોળ બની ગઈ હતી. તેના હૈયામાંથી ઊના-ઊના નિઃશ્વાસ નીકળતા હતા... તે રોતી રોતી બોલતી હતી: “મારે પણ જીવવું નથી નાથ, હું પણ તમારી સાથે જ અગ્નિપ્રવેશ કરીશ.”
મહારાજાની સાથે સૌ નગરની બહાર આવ્યા. મહારાજાએ સેવકોને આજ્ઞા કરી: ચિતા ખડકી દો.” બિચારા સેવકો! રોતી આંખે ચિતા ખડકવા લાગ્યા.
મહારાજા અને મહારાણી જમીન પર બેસી ગયાં. મહારાજાએ શ્રીનવકાર મંત્રનું સ્મરણ કર્યું... મહામંત્રના જાપમાં લીન થયા. શરીરે રોમાંચ થયો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં... ને પંચપરમેષ્ઠિ ભગવંતોનું સ્તુતિગાન એમના મુખેથી સરી પડ્યું.
હે પરમેષ્ઠિ ભગવંતો, મેં સદાના માટે મારા કુશળક્ષેમની ચિંતા તમારા ખોળે મૂકી દીધી છે. જો આ સંકટ સમયે તમે મને ત્યજી દેશો તો ત્રણેય લોકમાં
For Private And Personal Use Only