________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૨
www.kobatirth.org
‘પરંતુ શું પરદેશી?’
‘આ સમયે અહીં તમારું આગમન...'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુ:ખ હોય
‘ઉચિત નથી ને? પણ શું કરું? હૃદયના આવેગો ક્યારેક અનુચિત પણ કરાવી જાય છે... ખેર, જાઉં છું... પણ મને ‘કોઈ' ન માનશો... મેં માત્ર વીણાના સૂરોને જ હૈયામા નથી ઝીલ્યા, એ વીણાના વાદકને પણ મારા હૃદયના સિંહાસને બેસાડી દીધો છે...?
રાજકુમારી પોતાના મહેલના શયનખંડમાં પહોંચી ગઈ...
વિમલયશે ફરીથી વીણાને ઉઠાવી. એની સૂરાવલિ અનેરા ઉત્સાહથી હવામાં રમવા લાગી... ત્રીજો પ્રહર વીતી રહ્યો હતો. વિમલયશે વીણાને એના સ્થાને મૂકી દીધી અને જમીન પર જ લંબાવી દીધું. એનું મન બોલી ઊઠ્યું. ‘બિચારી ભોળી રાજકુમારી! એ ક્યાં જાણે છે કે... હું પણ એના જેવી રાજકુમારી છું... મારા પુરુષરૂપની સાથે તે પ્યારમાં પડી ગઈ છે... સ્ત્રીનું હૈયું આમ જ ઢળી પડતું હોય છે... પરદેશી સાથે પ્રીત કરી બેસે છે... હું પણ શું કરું? મારાથી અત્યારે આ મારો ભેદ ખોલાય નહીં? મારે ‘વિમલયશ’ ના રૂપે જ અહીં રહેવું પડશે... અમરકુમાર આવી ગયા પછી... ભલે, મારો ભેદ ખુલી જાય... ભલે રાજકુમારી પ્રેમના પ્રવાહમાં તણાય. હા, એને હું મારા દેહથી દૂર રાખીશ...'
વિમલયશ પાસે જેમ અદ્દભુત કળાઓ હતી તેમ તેનામાં વિચક્ષણ બુદ્ધિ હતી. જ્ઞાનરુચિ તો જાણે એના જન્મ સાથે જ એનામાં ઊતરી હતી. દયાકરુણા અને પરોપકારપરાયણતા... એને ગળથૂથીમાં મળેલાં હતાં.
એની પાસે જકાતનું ખૂબ ધન આવવા માંડયું. તેણે બેનાતટના ગરીબ, દરિદ્ર અને અસહાય પ્રજજનોની સંભાળ લેવા માંડી. ઉદારતાથી સહાય કરવા માંડી. આ કાર્યમાં એને માલતી ખૂબ જ સહાય કરતી હતી. એ સમગ્ર નગરથી પરિચિત હતી... ત્રણ વર્ષના ગાળામાં બેનાતટની પ્રજામાં કોઈ ગરીબ ન રહ્યું.
બીજી બાજુ, વિમલયશે જોયું કે રાજ્યના અધિકારી વર્ગને જોઈએ તેટલું વેતન મળતું નથી. વિમલયશે સહુનાં વેતન વધારી દીધાં. છુટા હાથે ધન આપવા માંડ્યું... સહુની સાથે પ્રેમભર્યો વ્યવહાર રાખવા માંડ્યો.
For Private And Personal Use Only
સમગ્ર નગરમાં વિમલયશનો ઉજ્જ્વલ યશ ફેલાઈ ગયો. સહુની જબાને વિમલયશના ગુણ ગવાવા લાગ્યા. રાજસભામાં પણ વિમલયશની પ્રશંસા થવા લાગી, રાજકુમારી પોતાના હૃદયવલ્લભની પ્રશંસા સાંભળી પ્રસન્ન-પ્રફુલ્લિત થવા લાગી છે. તેનો પ્રેમ પ્રતિદિન પુષ્ટ થતો ગયો.