________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Re PM
*
બેનાતટનો સમુદ્રકિનારો એટલે પુષ્પિત પ્રફુલ્લિત પ્રકૃતિની સૌન્દર્યલીલા! ઉષાકાળે... એકાંત પ્રકૃતિની સોડમાં સમુદ્રકિનારે ક્યારેક અભિનવ-શૃંગાર સજીને પ્રિયતમની પ્રતીક્ષા કરતી સુરસુંદરી ફરતી હતી. પોતાના મૂળ રૂપમાં આવીને. તે દૂરદૂર.. ઊછળતા ઉદધિતરંગોમાં અમરકુમારનાં વહાણોનાં દર્શન ઝંખતી હતી..
ક્યારેક તે વિમલયશનાં નામ-રૂપ ધારણ કરી. બેનાતટના રમણીય અરણ્યમાં ઊપડી જતી હતી... મિલનવ્યાકુળ બનીને દોડી જતી નિર્ઝરણીઓ.. લીલીછમ ધરતી પર મુક્ત ઉલ્લાસથી નાચતાં હરણ-યુગલો, જલાશયમાં કિલ્લોલતી સારસ-બેલડીઓ... મસ્તીથી નાચતાં મયૂર-યુગલો.. સહકાર વૃક્ષને આલિંગન આપતી માધવી લતાઓ પ્રકૃતિના પાર વિનાના આ સૌન્દર્યદર્શનમાં તે મુગ્ધ થઈ જતી હતી. એના કોમળ હૃદયમાં પરમ તત્ત્વની દિવ્ય અનુભૂતિ પ્રગટતી હતી... ને તે પરમતત્ત્વના ધ્યાનમાં લીન થઈ જતી હતી...
ક્યારેક પારિજાતના હિંડોળા પર ઝૂલતી સુરસુંદરી સંધ્યાની સ્વર્ણિમ આભાને જોઈ રહેતી... સંધ્યાના રંગોમાં જીવનના સત્યનો સાક્ષાત્કાર કરતી હતી... અને આત્માની શુચિતમ અનુભૂતિમાં રાચતી હતી.
ક્યારેક... જ્યારે આભથી ચંદ્રનાં આછાં અજવાળાં અવનિ પર ઊતરતાં હોય... જૂઈ અને બેલાનાં પુષ્પો પોતાની સુરભિ વિસ્તારતાં હોય... સુગંધિત મતની ભીની-ભીની લહેરો રોમાંચનો અનુભવ કરાવતી હોય.. આવા સ્નિગ્ધ ને સુગંધિત વાતાવરણમાં સુરસુંદરી પારિજાતના વૃક્ષને અઢેલીને બેસી રહેતી... ને અમરકુમારની વાટ જોતી! પણ જ્યારે એને અમરનો પડછાયો પણ નહોતો દેખાતો ત્યારે તેનું પ્રફુલ્લિત વદન કરમાયેલું ફૂલ બની જતું. તેના ગૌર મુખ પર ગ્લાનિ છવાઈ જતી.... ને આંખો સજલ બની જતી.. આખર, એ એક પ્રેમસરિતા નારી હતી ને! તેનું વિષાદભરેલું હૃદય ઘડીભર તેને ભૂતકાળમાં ઉપાડી જતું. તેનો દેહ એ સ્મૃતિઓથી ધ્રૂજી ઊઠતો હતો...
છતાં... તેનામાં... તેના આત્માના પ્રદેશ પ્રદેશે સતીત્વનું સત્ત્વ વહેતું હતું.. તેનામાં સતીત્વની દઢતા હતી... સતીત્વનું તેજ હતું. તે પોતાના હૃદયને સંભાળી લેતી હતી. શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનમાં ડૂબકી મારી દેતી હતી.
For Private And Personal Use Only