________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
આપ જે કહો છો તે યથાર્થ છે. મને ખૂબ પ્રિય લાગ્યું. આપણી પુત્રીના પારલૌકિક હિતનો વિચાર પણ આપણે કરવો જ જોઈએ. માત્ર વર્તમાનકાલીન જીવનના સુખનો વિચાર ન કરાય... આપની વાત મને ખૂબ ગમી!”
‘તમને તો ગમી વાત, પરંતુ સુંદરીને ગમવી જોઈએ ને!” રાજાએ હસતાં હસતાં સુંદરીના માથે હાથ મૂકીને વાત કરી.
'પિતાજી, આપ મારા સુખ માટે, મારા હિત માટે કેટલું કરો છો? આપના ઉપકારનો બદલો હું આ ભવમાં નહીં વાળી શકું. આપ અને મારી આ જનની - બંને મારા સુખ માટે જ જાણે જીવો છો... મારા પર દુ:ખનો પડછાયો પણ ન પડી જાય, તેની કેટલી બધી કાળજી રાખો છો...? પિતાજી, સાધ્વીજી પાસે હું ધર્મબોધ પામવા અવશ્ય જઈશ. હું તપાસ કરું છું કે નગરમાં એવાં કોઈ સાધ્વીજી અહીં સ્થિરતા કરીને રહ્યાં છે કે કેમ?'
બેટી, તું અમરકુમારને જ પૂછજે ને! એની માતા ધનવતીને તો ખબર હશે જ. જો ગામમાં સાધુ કે સાધ્વીજી હોય તો એ વંદન કર્યા વિના પાણી પણ નથી લેતી!'
માતાના મુખે અમરકુમારનું નામ સાંભળતાં સુરસુંદરી રોમાંચિત થઈ ગઈ. રાજાએ અમરકુમારનું નામ સાંભળતાં રાણીને કહ્યું:
હા, હમણાં જ પંડિતજી અમરકુમારની પ્રશંસા કરતા હતા. બેટી, અમરકુમાર તમારી પાઠશાળામાં શ્રેષ્ઠ મેધાવી વિદ્યાર્થી છે... નહીં?”
હા પિતાજી, પંડિતજીની અનુપસ્થિતિમાં એ જ બધાને ભણાવે છે. એની ગ્રહણશક્તિ અને સમજાવવાની રીત ગજબ છે! એનું અધ્યયન પણ હવે પૂર્ણ થઈ ગયું છે.'
બેટી, એક દિવસ રાજસભામાં તારી અને એ અમરકુમારની પરીક્ષા કરીશ! તમારી બુદ્ધિ અને તમારા જ્ઞાનની કસોટી થશે!”
સુરસુંદરી પ્રફુલ્લિત થઈ ગઈ. “ભલે... તો મા, હું ધનાવહ શેઠને ત્યાં જઈને સાધ્વીજી અંગે પૃચ્છા કરીશ.” સુરસુંદરી ઝડપથી રાણીના ખંડમાંથી બહાર નીકળી ગઈ.
સુરસુંદરીએ સુંદર વસ્ત્ર અને અલંકારો ધારણ કર્યા. રથમાં બેસી ગઈ અને શ્રેષ્ઠી ધનાવહની હવેલીએ પહોંચી ગઈ. હવેલીના ઝરૂખામાં ઊભેલા અમરકુમારે રથમાંથી સુરસુંદરીને ઊતરતી જોઈ.. અને આશ્ચર્ય થયું! કારણ કે આ રીતે ક્યારે પણ સુરસુંદરી આવી ન હતી. તેણે તુરત જઈને માતા ધનવતીને કહ્યું:
For Private And Personal Use Only