________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુ:ખ હોય
૧૭૫
આપશે... તારા વિનાના આ મહેલની કલ્પના મારા હૃદયને હચમચાવી રહી
છે...’
‘પરંતુ અત્યારથી શા માટે એવી કલ્પના કરો છો? શું આજે જ મને વિદાય આપવી છે?’
‘ના રે, ના, હજુ તો થોડા દિવસ રહેવાનું જ છે... પણ મન ભવિષ્યના વિચારો કર્યા વિના રહી શકતું નથી ને? ભૂતકાળની સ્મૃતિઓ અને ભવિષ્યની કલ્પનાઓ કર્યા કરવાનો મનનો સ્વભાવ છે...’
‘એટલે તો જ્ઞાની પુરુષો-પૂર્ણપુરુષો કહે છે કે મનને તત્ત્વચિંતનમાં ડુબાડેલું રાખો! તત્ત્વચિંતનમાં રમણતા થઈ જાય... પછી મન ભૂતકાળના કે ભવિષ્યકાળના વિચારોમાં ખોવાઈ જતું નથી.'
‘તારી વાત સાચી છે, પરંતુ તત્ત્વચિંતનનો માર્ગ મારા જેવા રાજા માટે સરળ નથી ને!’
‘કેમ સરળ ન બને? ભગવાન ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી હતા ને? તોયે તેઓ રોજ રાત્રે તત્ત્વચિંતન કરતા હતા! આત્માના એકત્વનું ચિંતન અને પરપદાર્થોના અન્યત્વનું ચિંતન કરતા હતા. એટલે તો તેઓને અરીસા-ભવનમાં, પોતાના દેહનું સૌન્દર્ય જોતાં જોતાં કેવળજ્ઞાન થઈ ગયું હતું! આંગળી પરથી વીંટી નીકળી પડી... વીંટી વિનાની આંગળી જોઈને... ચિંતનનો પ્રવાહ બદલાઈ ગયો... આધ્યાત્મિક ચિંતન શરૂ થઈ ગયું! આત્માના અક્ષય... અરૂપી સ્વરૂપની રમણતા જામી ગઈ... કેવળજ્ઞાની બની ગયા. મારા વહાલા ભાઈ, તમે પણ રોજ આત્મચિંતન કરી શકો... હું તો તમને આગ્રહ કરું છું કે તમે પ્રતિદિન રાત્રિની નીરવ શાંતિમાં શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન-મનન અને ધ્યાન કરો. તમે અપૂર્વ આત્માનંદ અનુભવશો અને... જો તમે આ કરશો તો મારું અહીં અવસ્થાન સાર્થક બનશે.’
રત્નજટી સુરસુંદરીની વાત તન્મય બનીને સાંભળી રહ્યો હતો. તેને વાત ગમી. છતાં તેણે પોતાની મુશ્કેલી બતાવી.
તેં બતાવેલો માર્ગ સારો છે. પરંતુ ચંચળ... અસ્થિર મન શું શુદ્ધ આત્મસ્વરૂપના ચિંતનમાં સ્થિર બની શકે?’
‘બની શકે! અવશ્ય બની શકે. નિરંતર એ દિશામાં પ્રયત્ન કરતા રહેવાથી સફળતા મળશે. મનની ચંચળતા અસ્થિરતા જન્મે છે મમત્વમાંથી ને? પ૨પદાર્થોના મમત્વને ખંખેરી નાંખવા માટે અન્યત્વભાવના ભાવવાની! ‘મારા આત્માથી
For Private And Personal Use Only