________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
પ્રીત કિયે દુઃખ હોય “ભલે, તું ત્વરાથી ચાલી જા બેટી, પરમાત્મા તારી રક્ષા કરશે...”
સુરસુંદરીએ વૈદ્યરાજનાં ચરણે પ્રણામ કર્યા અને ત્વરાથી તે મકાનની બહાર નીકળી ગઈ. તેણે જંગલનો માર્ગ પકડી લીધો. મનમાં સતત શ્રી નવકાર મંત્રનું સ્મરણ શરૂ કરી દીધું. એકાદ કોસ ચાલ્યા પછી તેણે રાજમાર્ગ ત્યજી દીધો અને પગદંડી પર દોડવા લાગી.
એ સમજતી હતી કે સવા લાખ રૂપિયા આપીને વેશ્યાએ એને ખરીદી હતી. એ ખોવાઈ જાય તો એને શોધવા માટે આકાશ-પાતાળ એક કર્યા વિના ન રહે. રાજાની સમક્ષ ફરિયાદ કરે તો રાજાના ઘોડેસ્વારો ચારે બાજુ શોધવા માટે દોડવા માંડે.
સુરસુંદરી નથી જોતી દિશા કે નથી જોતી કાંટા-કાંકરા... એ તો દોડતી જ જાય છે... દોડતા દોડતાં એ થાકી જાય છે, તો ધીમે ધીમે ચાલે છે... ચારે બાજુ જુએ છે.. દૂર દૂર નજર નાંખે છે. એના મનમાં નિર્ણય થયો કે એની પાછળ કોઈ આવતું નથી, તે આશ્વસ્ત થઈ.
દિવસના ત્રણ પ્રહર વીતી ગયા હતા. સૂર્ય અસ્તાચલ તરફ નમ્યો હતો. સુરસુંદરી એક વિશાળ સરોવરના કિનારા પાસે પહોંચી હતી.
સરોવરના કિનારે વૃક્ષોની ઘટા હતી. સુંદરી એ ઘટામાં જઈને બેઠી. થાકીને એ લોથપોથ થઈ ગઈ હતી. તેનું આખું શરીર કળતું હતું. બંને પગની પાનીઓમાંથી લોહી વહેતું હતું.
સુરસુંદરીને સરિતાનો વિચાર આવી ગયો... “એનું શું થયું હશે? શું લીલાવતીએ એના પર મને ભગાડવાનો આરોપ નહીં મૂક્યો હોય? એની પાસે સાચું બોલાવવા એને ફટકા તો નહીં મરાવ્યા હોય? વેશ્યાના ધરમાં નોકરી કરે છે.. છતાં એના હૈયે કેવી માનવતા ભરી છે? મારા ખાતર એણે કેવું સાહસ કર્યું? મેં એને કંઈ આપ્યું પણ નહીં... અરેરે... મારી પાસે એને આપવા જેવું છે પણ શું? હે પરમાત્માનું, એ સરિતાનું રક્ષણ કરજો, એને કોઈ આપત્તિ ન આવે..” સુરસુંદરીની આંખોમાંથી આંસુ ટપકવા માંડ્યાં.
તેણે થોડી જમીન સાફ કરી અને વિશ્રામ કરવા આડી પડી. વાયુ ભીનો હતો. વૃક્ષોની શીતળ છાયા હતી. પક્ષીઓનો કલરવ હતો.. છતાં સુરસુંદરીને નિદ્રા ન આવી. તેના મનમાં ભય હતો, નિરાશા હતી.. વ્યથા હતી.
હું ક્યાં જઈશ? જંગલમાં ચોર-ડાકુઓ મારા પર હુમલો કરે તો? કોઈ ગામ-નગરમાં જાઉં... ત્યાં વળી કોઈ દુષ્ટોના ફંદામાં ફસાઈ જાઉં તો? મારું
For Private And Personal Use Only