________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય ત્યારે મેં એને કહેલું, સુંદરી, તું મને ગમે છે... એટલું જ નહીં, તારા સિવાય બીજું કોઈ ગમતું નથી...” ત્યારે તેણે હર્ષથી ગદ્ગદ્ થઈ... મારો હાથ પકડી લીધો હતો. અને ટગર-ટગર મારી સામે જોઈ રહી હતી...એને કંઈક કહેવું હતું પણ ગળું રંધાઈ ગયું હતું... પછી અમે મૌન થઈ ચાલતાં રહ્યાં હતાં, એ એના મહેલે ગઈ.. હું મારી હવેલીએ ગયો હતો...
અને.... એણે આજે શું કરી નાખ્યું? એની ભીની-ભીની... મોટી મોટી આંખોમાંથી આજે આગ વરસી... મને દઝાડી દીધો... શીતલ શશી સમું એનું વદન આજે લાલચોળ સૂર્ય જેવું થઈ ગયું... હું એની સામે ન જોઈ શક્યો... એનાં અમૃતથી મધુર વચનો આજે હળાહળ ઝેરી બની ગયાં..
ના, હવે હું એની સાથે નહીં બોલું. જો કે એ અભિમાની છે, એટલે હવે મારી સાથે નહીં જ બોલે, ભલે ન બોલે. એને ગરજ હશે તો આવશે બોલતી... મને એની કોઈ ગરજ નથી.
હા, મારે એને પૂછીને એ સાત કોડી લેવી જોઈતી હતી. મેં એને પૂછયા વિના લીધી, એ મારી ભૂલ થઈ.. પરંતુ મિત્રને પૂછ્યા વિના એની કોઈ વસ્તુ શું ન લેવાય? શું મને પૂછયા વિના એ મારી લેખિની નથી લેતી? મારું પુસ્તક નથી લેતી? મેં તો ક્યારેય એની સાથે ઝઘડો નથી કર્યો...
રાજકુમારી થઈને સાત કોડી માટે મારી સાથે એ ઝઘડી.. એના પિતા પાસે મોટું રાજ્ય છે... ધનનો પાર નથી... વૈભવનો પાર નથી... કેટલી તુચ્છતા? પરંતુ હું બદલો તો લઈશ... મારા અપમાનનો બદલો લઈશ... આજે નહીં, જીવનમાં ગમે ત્યારે... હા, ત્યારે જ મને શાન્તિ મળશે. સાત કોડીમાં એ કેવી રીતે રાજ્ય લે છે... એ હું પણ જોઈશ.”
અમરકુમાર પાઠશાળાનાં દ્વાર બંધ કર્યો. તાળું લગાવ્યું અને પોતાની હવેલી તરફ નીકળ્યો. તરુણ અમરનું મન વ્યથિત હતું. એના સુંદર મુખડા પર વ્યથાનાં વાદળ ઘેરાયાં હતાં. હવેલીમાં પહોંચીને એ સીધો જ પોતાના અધ્યયનખંડમાં જઈને પલંગમાં પડ્યો.
૦ ૦ ૦ સુરસુંદરી રીસ-રોષ અને ઉદ્વેગને હૃદયમાં ભરીને મહેલમાં પહોંચી. માતા રતિસુંદરીને મળ્યા વિના એ સીધી પોતાના શયનખંડમાં જઈને પલંગમાં ઊંધી પડીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. અર્ધ ઘટિકાપર્યત એ રુદન કરતી રહી. આંસુની સાથે એના હૃદયનો રોષ પણ નીતરી ગયો. એનું મન કંઈક હળવું થયું.
For Private And Personal Use Only