________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાદળની કોર પર મેઘધનુષ્યના જેવા રંગ રચાય છે તેવા રંગોમાં શ્રેષ્ઠી ધનંજય રાચવા લાગ્યો. ધનંજય યુવાન હતો. છેલછબીલો હતો. સુરસુંદરીના દેહમાંથી એને નવરંગી ફૂલની સુંગધ આવતી હતી. સુરસુંદરીના પ્રેમને પામવા માટે એનું મન અધીરું બનતું હતું, પરંતુ એ અધીરાઈને અભિવ્યક્ત થવા દેતો ન હતો. સુરસુંદરી સ્વયં એને ચાહવા લાગે. એવી એની ઇચ્છા હતી.
એ સુરસુંદરી પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતો હતો. અમરકુમારની નિન્દા કરતો હતો. સુરસુંદરી નિશ્ચિત બની રહે.. એવું આશ્વાસન આપતો હતો. - સુરસુંદરી ધનંજયના સમગ્ર વ્યવહારને “સૌજન્ય' સમજતી હતી. યક્ષદ્વીપ પર ધનંજયે આપેલા વચનને “બ્રહ્મવાક્ય” સમજીને એ નિશ્ચિત હતી. છતાં ક્યારેક ધનંજયની દૃષ્ટિને પોતાના દેહ પર ફરતી જોતી ત્યારે તેને આંચકો લાગતો... “આ કેમ મારા દેહને ધારી ધારીને જોયા કરે છે?' એટલે તેણે વસ્ત્ર પરિધાન પણ ખૂબ મર્યાદામાં કરવા માંડ્યું. ઝીણાં વસ્ત્રો પહેરવાનાં બંધ કર્યા.
એક દિવસ સુરસુંદરી પોતાના ખંડમાં બેઠી હતી. ભૂતકાળની સ્મૃતિઓને વાગોળતી હતી, ત્યાં ધનંજયે ખંડમાં પ્રવેશ કર્યો. સુરસુંદરીએ ઊભા થઈને સ્વાગત કર્યું. ધનંજય ત્યાં પડેલા ભદ્રાસન પર બેસી ગયો અને બોલ્યો:
સુરસુંદરી, આજે મારા મનમાં તારા માટે એક વિચાર આવ્યો... અને મારું મન વ્યથિત થઈ ગયું...'
મારા કારણે તમારું મન વ્યથિત થયું? મારી એવી કોઈ ભૂલ...'
ના, ના હું તો બીજી જ વાત કરું છું. તારી કોઈ જ ભૂલ નથી... ભૂલ કરી છે અમરકુમારે..”
ના, એમની ભૂલ નથી, મારાં પાપકર્મ ઉદયમાં આવ્યાં છે...'
એટલે શું એની ભૂલની સજા તારે ભોગવવાની? તું ઇચ્છે તો તારાં પુણ્યકર્મ ઉદયમાં આવી શકે... અત્યારે ઉદયમાં આવી શકે... પણ એ માટે તારે તારા મનમાંથી એ ક્રૂર હૈયાના અમરને દૂર કરવો જોઈએ...'
‘તમે આવું ન બોલો. માણસના જીવનમાં ભૂલો થતી જ હોય છે. ભૂલ કરનાર સ્વજનને ત્યજી ન દેવાય. જો ત્યજી દેવાય તો કોઈ સંબંધ ટકી જ ન
For Private And Personal Use Only