________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશરણ-ભાવના
૨૬૯ જીવનનો પ્રારંભ દુઃખરૂપ છે, જીવનનો અંત દુ:ખરૂપ છે. અને જીવતર પણ દુઃખરૂપ છે. ગર્ભાવસ્થાનાં અને જન્મનાં કેવાં દુઃખ હોય છે, તે ભલે આજે યૌવનકાળમાં તમે ભૂલી જાઓ, પરન્તુ એ દુઃખ અસાધારણ હોય છે. જીવતર તો અનેક શારીરિક, માનસિક, પારિવારિક દુઃખોથી ભરેલું છે જ. અનેક પ્રકારના રોગ થવાની સંભાવનાઓ, અનેક પ્રકારના ઉપદ્રવો થવાની શક્યતાઓ અને અસંખ્ય પ્રકારની માનસિક વેદનાઓથી માનવીનું જીવતર કેવું ચોળાઈચૂંથાઈ ગયેલું છે. એ દૃષ્ટા બનીને તમે જોશો તો જ જીવની અશરણતા સમજાશે.
મૃત્યુનું દુઃખ માનવી માટે નક્કી જ છે! જેને જીવન પર મોહ છે, જેને આત્માથી ભિન્ન પદાર્થો પર પ્રીતિ છે, તેને મોતનો ભય સતાવે જ! મૃત્યુથી બચવા એ ગમે તેવા ઉપાયો કરે, તેને કોઈ બચાવી શકતું નથી. વિદ્યાઓ, મંત્રો કે આંષધિઓ એને બચાવી શકતી નથી. વૈદ્યો, દેવો કે દાનવો એને બચાવી શકતા નથી.
આ બધાં જ દુઃખોથી તમારે બચવું છે? દુઃખોથી મુક્તિ મેળવવી છે? તો વીતરાગ-સર્વજ્ઞ પરમાત્માની અવિલંબ શરણાગતિ સ્વીકારી લો. સર્વજ્ઞ વિતરાગની વાણીને મન ભરીને સાંભળો. તમારું મન દુઃખોથી મુક્ત બની જશે. વીતરાગ પરમાત્માનાં વચન એટલે અમૃત! સર્વ દુઃખોનો નાશ કરનાર અમૃત! વીતરાગની વાણી એટલે રસાયણ! આત્મભાવને પુષ્ટ કરનારું રસાયણ! વીતરાગની જ્ઞાનગંગા એટલે ઐશ્વર્ય! આત્માની દરિદ્રતા મિટાવી દેનારું ઐશ્વર્ય!
શાસ્ત્રજ્ઞાની બનો, આત્મજ્ઞાની બનો. આત્મજ્ઞાનના અજવાળે નિર્વાણના મહામાર્ગે આગળ વધો. આ જ્ઞાન જ તમને અદીન અને નિર્ભય બનાવશે. એને જ જ્ઞાન કહેવાય કે જે જ્ઞાનીને અદીન અને નિર્ભય બનાવે. ભલે પછી એ જ્ઞાનીના દેહમાં દાહવરની પીડા કેમ નથી ઊપડતી! જ્ઞાનીને પીડાનું કોઈ સંવેદન નહીં હોય. ભલે એ જ્ઞાનીને સ્વજનો ત્યજી જાય, જ્ઞાનીના મનમાં સ્વજનવિયોગની કોઈ વિહ્વળતા નહીં થાય. ભલે એ જ્ઞાનીનું કોઈ ઘોર અપમાન કરી જાય, જ્ઞાનીના મનમાં કોઈ વિખવાદ નહીં જન્મે!
આવા જ્ઞાની બનવા માટે, અન્તઃકરણથી અરિહંત પરમાત્માનું શરણ સ્વીકારો, સર્વકર્મોથી મુક્ત સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકારો, સાધનાલીન સાધુપુરષોની શરણાગતિ સ્વીકારો અને સર્વજ્ઞ પરમાત્માએ ચીંધેલા મોક્ષમાર્ગનું શરણ સ્વીકારો.
સંસારની માયા-મમતાનાં બંધન તોડો! “મારે સંસારમાં કોઈને પણ શરણ નથી જોઈતું.” આવો અડગ નિર્ણય કરો. તમે તમારી જાતને દીન-હીન ન માનો.
For Private And Personal Use Only