________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ સુખી પ્રશાન્તાત્મા
૨૨૩ વિવેચન : અહીં જે સુખની વાત કરવામાં આવે છે તે શારીરિક કે ભૌતિક સુખોની વાત નથી, એ છે મનનાં સુખની વાત, એ છે આત્માનાં સુખની વાત. પાંચ ઇન્દ્રિયોના વૈપયિક સુખો, વૈષયિક સુખનાં સાધનો તો રાજા-મહારાજાઓ પાસે ઘણાં હોય છે. દેવલોકના દેવેન્દ્ર પાસે ઘણાં હોય છે, છતાં એમની પાસે મનનું સુખ હોતું નથી, મનની શાન્તિ હોતી નથી.
ધર્મગ્રન્થમાં જે ચક્રવતીનું વર્ણન આવે છે, જે દેવલોકના ઇન્દ્રોનું વર્ણન આવે છે, તે વર્ણન વાંચતાં, એ ચક્રવર્તીઓનાં અને ઇન્દ્રોનાં વૈષયિક સુખોનો ખ્યાલ આવે છે. અપાર અને અપૂર્વ સુખભો જોઈને દુનિયાને લાગે કે આ દુનિયામાં શ્રેષ્ઠ સુખી તો આ જ ચક્રવર્તીઓ છે.....આ જ દેવેન્દ્રો છે.' એમનાં સુખોથી ચઢિયાતાં સુખ આ દુનિયામાં કોઈની પાસે ન હોય!
વર્તમાનકાળમાં પણ દુનિયાના અબજોપતિઓના સુખવૈભવો જોઈને મનુષ્યો બોલે છે : “કેવા સુખી માણસો છે! કેટલો વિપુલ વૈભવ! કેવી અપૂર્વ સાહ્યબી! કેવું સુખી જીવન! માત્ર બાહ્યદૃષ્ટિથી જોનારા અને વિચારનારા મનુષ્યો “સુખ'ની. કલ્પના ભૌતિક સુખનાં સાધનોના આધારે કરતા હોય છે, પરંતુ વાસ્તવિકતા જુદી છે. આજે આપણી દુનિયામાં ચક્રવર્તી રાજા નથી, વાસુદેવ કે બળદેવ નથી, જો એ હોત અને આપણે એમને પૂછત કે “તમે સુખી છો? તમે નિર્ભય અને નિશ્ચિત છો?' તો જવાબ મળત કે “અમારી પાસે સુખનાં સાધન છે.....પરંતુ અમે નિશ્ચિત નથી. નિર્ભય નથી....માટે ખરેખર અમે સુખી નથી. અમને મળેલાં ભૌતિક સુખો નિત્ય નથી, અનિત્ય છે. ભયરહિત નથી, ભયસહિત છે. સ્વાધીન નથી, પરાધીન છે! અનેક પ્રકારના ભયોથી અને ચિંતાઓથી અમે ઘેરાયેલા રહીએ છીએ, અમારું મન અશાન્ત રહે છે, ઉદ્વિગ્ન રહે છે....”
દેવલોકના ઇન્દ્રો આપણા માટે કથા-વાર્તાનો વિષય બની ગયા છે! છતાંય જો ક્યારેક સ્વપ્નમાં પણ ઈન્દ્ર મળી જાય તો પૂછી લેજો કે “હે દેવરાજ ! તમે સુખી છો ? તમારું મન સદેવ શાન્ત, પ્રસન્ન અને પ્રફુલ્લ રહે છે ને? તમારા મનમાં ઈર્ષા, રોષ, રાગ, આસક્તિ....આ બધાં તત્ત્વ અશાન્તિ અને ઉદ્દેશ પેદા કરતાં નથી ને?' ઈન્દ્રનો પ્રત્યુત્તર શું મળે છે, તે સાંભળજો અને વિચારજો.
ભૌતિક-વૈષયિક સુખ-સાધનોની વૃત્તિ અને પ્રવૃત્તિથી મુક્ત મહાત્મા પુરુષોને પૂછજો કે એમનું સુખ કેવું છે! એમના અનુપમ પ્રશમસુખનું વર્ણન તેઓ શબ્દોમાં નહીં કરી શકે. પ્રશમસુખની અભુત અનુભૂતિની અભિવ્યક્તિ શબ્દોમાં કરી શકાતી નથી.
For Private And Personal Use Only