________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભુખ : શમીનું, વીતરાગીનું यत् सर्वविषयकांक्षोद्भवं सुखं प्राप्यते सरागेण ।
तदनन्तकोटिगुणितं मुधैव लभते विगतरागः ।।१२४ ।। અર્થ : સર્વ વિષયોની આકાંક્ષામાંથી જન્મેલું જે સુખ રાગી જીવને મળે છે, તેનાથી અનન્ત કોટિગુણ સુખ વિનામૂલ્ય રાગરહિત જીવ મેળવે છે.
વિવેચન : સુખના બે પ્રકાર છે : રાગીનું સુખ અને વીતરાગીનું સુખ. આપણે રાગી છીએ, પાંચયે ઇન્દ્રિયોના વિષયોનાં સુખ આપણે અનુભવેલાં છે. આપણને એ પણ અનુભવ છે કે વૈષયિક સુખો માત્ર ઇચ્છા કરવાથી, માત્ર કામના કરવાથી નથી મળતાં. એ સુખો મેળવવા મનથી કેટકેટલા વિચારો...યોજનાઓ કરવી પડે છે, વાણીથી કેટકેટલાની ચાપલુસી કરવી પડે છે અને કાયાથી કેવો સખત પરિશ્રમ કરવો પડે છે! આ બધો પરિશ્રમ કર્યા પછી જે સુખ મળે છે, તે કેટલું બધું અલ્પકાલીન-ક્ષણિક હોય છે!
જે વિષય આજે આપણને ગમ્યાં.... થોડા દિવસ પછી એ નહીં ગમે! એક વિષય પર સતત રાગ ટકતો નથી, રાગનાં પાત્ર બદલાતાં રહે છે.....જે શબ્દો ભૂતકાળમાં પ્રિય લાગતા હતા, વર્તમાનમાં પ્રિય નથી લાગતા. જે રૂપ ભૂતકાળમાં સુંદર લાગતું હતું, વર્તમાનમાં સુંદર નથી લાગતું. જે રસ પહેલાં સુસ્વાદુ લાગતો હતો, વર્તમાનમાં સુસ્વાદુ નથી લાગતો!
કોઈપણ ઇન્દ્રિયનો કોઈપણ વિષય હોય, સારો, સુંદર, મનોહર હોય, એ વિષયનું સુખ અલ્પકાલીન જ હોય છે, કારણ કે આપણે રાગી છીએ! રાગીનું સુખ ક્ષણિક જ હોય! રાગી વિષયોમાંથી સુખ મેળવવા અભિલષ છે....વિષયોની અવસ્થા પરિવર્તનશીલ હોય છે. એમ મનના રાગ-દ્વેષ પણ પરિવર્તનશીલ હોય છે. રાગ સ્થાયી ભાવ નથી, વિષયની અવસ્થા સ્થાથી પરિણામ નથી! બંને અસ્થાયી છે એટલે બંનેના સંયોગમાંથી જન્મતું સુખ પણ અસ્થાયી હોય છે!
પ્રભાતે દેખાતું સૃષ્ટિસૌન્દર્ય મધ્યાહ્ન નથી હોતું.....મધ્યાહ્નની સૃષ્ટિ સંધ્યાટાણે નથી હોતી! સંધ્યાનું સૌન્દર્ય રાત્રિની દુનિયામાં નથી રહેતું એવી રીતે બાલ્યાવસ્થાની મુગ્ધતા...સાહજિકતા યૌવનમાં નથી રહેતી... યૌવનનો થનગનાટ પ્રૌઢાવસ્થામાં નથી રહેતો. પ્રૌઢાવસ્થાની પ્રગભતા વૃદ્ધાવસ્થામાં નથી રહેતી.... બધું જ બદલાયા કરે છે..રાગી જીવાત્મા એ પરિવર્તનશીલ સૃષ્ટિના વિષયોમાંથી કેટલું અને કેવું સુખ મેળવી શકે?
For Private And Personal Use Only